દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનો વિકરાળ પંજો જિલ્લાના ખૂણે-ખૂણામાંથી પોતાનો શિકાર કરતો જાય છે. તંત્ર મૂકસેવકની જેમ કામગીરી કરી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં 7 લોકોને કોરોના પોઝિટિવ નોંધાયા છે. 25 જુલાઇના રોજ ઓખા, સુરજ કરાડી અને ભીમારાણા ગામના 3 યુવાનોને કોરોના પોઝિટિવ આવ્યા હતા.
ત્યારબાદ રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામના 41 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. સોમવારે બપોર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ કેડરના 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામા કોરોના દર્દી કુલ સંખ્યા 48 થઇ છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર જેમ કોરોના વિકરાળ થતું જાય છે તેમ તેમ આળસુ થતું જતું હોય તેમ લાગી રહ્યું છે.