- ખંભાળીયામાં કોરોના રસીકરણની પ્રક્રિયાના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ
- લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવશે
- બહોળી સંખ્યામાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકોએ કોરોનાની રસી લીધી
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં કોરોના રસીકરણની પ્રક્રિયાના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે, ત્યારે કોરોનામાં ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી કરણ કર્યા બાદ હવે ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષથી 59 વર્ષ સુધીના લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવશે. જેમાં 60 વર્ષથી વધુની ઉંમરના કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકશે. જ્યારે 45 વર્ષથી 59 વર્ષ સુધીના જે લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય તેઓએ મેડિકલ ઓફિસરનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને બાદમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન થયા બાદ તેઓને પણ વિનામૂલ્યે કોરોનાની રસી અપાશે. જ્યારે તેઓ કોરોનાની સરકાર દ્વારા જાહેર કરેલી વેબસાઈટ પર પણ આ રજિસ્ટ્રેશન કરાવી શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી શરૂ થયેલી કોરોના રસીકરણની પ્રક્રિયામાં પણ બહોળી સંખ્યામાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકોએ કોરોનાની રસી લીધી હતી.