દેવભૂમિ દ્વારકા : કથાકાર મોરારી બાપુ અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વચ્ચેનો વિવાદ હજુ પણ શાંત થયો નથી. દ્વારકાધીશ મંદિરે થયેલા વિવાદ બાદ આહીર યુવાન સંજય ચેતરીયા દ્વારા પબુભા માણેકને સોશિયલ મીડિયા દ્વારા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માગવા માટે પોસ્ટ કરવામાં આવી હતી. જો કે, સમગ્ર બાબતને દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા દ્વારા નજરઅંદાજ કરતા આહિર યુવાન સંજય ચતરિયા દ્વારા 300 કિલોમીટરથી પણ વધુની પગપાળા યાત્રા કરીને ઓખા પબુભાના ઘર સામે કાળી ઝંડી ફરકાવીને મોરારીબાપુના અપમાનનો બદલો લેવાનો નિર્ણય કરીને યાત્રા શરૂ કરી હતી.
જો કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ દ્વારા કલમ 151 મુજબ ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સંજયને કલ્યાણપુર પોલીસે મામલતદાર સામે રજૂ કરતા સંજયએ પોતે કોઈ ગુનો કર્યો નથી તેથી તેઓ જમીન આપશે નહીં તેવું જણાવતા કલ્યાણપુર મામલતદારે સંજયને જામનગર જિલ્લા જેલ હવાલે મોકલી આપ્યો છે.