દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર ધ્વજાજીનું અનેરું મહત્વ છે અને ભગવાનના ભક્તો ખૂબ ધામધૂમથી ધ્વજા ચડાવવા પહોંચે છે. પરંતુ આજ રોજ વાવાઝોડાની સંભાવનાને લઈ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા મંદિરના શિખર પર ધ્વજા ફરકાવવામાં ન આવે તેવું સૂચન કર્યું છે.
સવારની બે ધ્વજા ન ચડી શકી : મહત્વનું છે કે વાવાઝોડાને લઈને અબોટી બ્રાહ્મણ દ્વારા તમામ તકેદારીઓ રખાઈ રહી છે ત્યારે દ્વારકાના જગત મંદિર પર ફરકાવવામાં આવતી ધ્વજાજીને શિખર પર ફરકાવવામાં મુશ્કેલીઓ આવતી હોવાથી ધ્વજાજીને ન ફરકાવવા સૂચન આપવામાં આવ્યું છે. ભારે પવનના કારણે જાન અને માલનું નુકશાન ન થાય તેને ધ્યાને રાખી આજ સવારની બે ધ્વજા ચડાવવામાં આવી નથી.
રોજિંદી પાંચ ધ્વજા ચઢે છે : દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનું કામ કરે છે.
અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનુ ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચઢે છે પરંતુ હાલ આ રિપોર્ટ જોઈને નામના વાવાઝોડાના કારણે જગત મંદિર પર ધજાનો આરોહણ કરવામાં આવ્યું નથી તેની જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહીં...હૃત્વિક ત્રિવેદી, (અબોટી બ્રાહ્મણ)
અબોટી બ્રાહ્મણો ચઢીને જ ધજા ચઢાવે છે : જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનું કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછું નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી પણ હાલ આ વાવાઝોડાને કારણે ખૂબ જ તે જ પવન સાથે વરસાદ હોવાથી અબોટી બ્રાહ્મણો દ્વારા મંદિરના શિખર પર ચડી શકાય તેમ નથી જેથી કરીને સવારની ધજા ચડાવવામાં આવી નથી.પરંતુ આ આ કામમાં મોટુ જોખમ રહેલું છે. ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે. જોકે, આવા સમયે પણ પ્રથા તો બંધ કરાતી જ નથી પણ આજ ઇતિહાસમાં પહેલી વખત આ ઘટના બની છે.
હાલ બે ધજા આવી ચૂકેલ છે પણ આ વાવાઝોડાના કારણે ધ્વજાજી ચડાવી શકાય તેમ નથી. તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ચડવું ખૂબ જ મુશ્કેલભર્યું થઈ ચૂક્યું છે.જો પવન કે વરસાદ ધીમો પડશે તો અમે ધજા ચડાવવા જશું અથવા તો વાવાઝોડું પૂરું થાય ત્યારબાદ અમે ધ્વજા ચડાવવા મંદિરના શિખર પર જશું...નરેન્દ્ર ત્રિવેદી (અબોટી બ્રાહ્મણ)
તૌકતે વાવાઝોડા વખતે અડધી કાઢીએ ધજા ચઢી હતી : નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. પરંતુ ધજાજી ના ચડે એવું તો કોઈ દિવસ બન્યું જ નથી આ ઇતિહાસની સૌ પ્રથમ ઘટના છે. દ્વારકાધીશ મંદિર પર દરરોજ પાંચ વખત 52 ગજની ધજા ચડાવવામાં આવે છે અને દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા જ ધજા ચઢાવવામાં આવે છે.
ક્યારે ક્યારે ચઢે છે ધ્વજા : દ્વારકાધીશની મંગળા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યાર બાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે અને શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે નવી ધ્વજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હક હોય છે અને તે કપડાંથી ભગવાનનાં વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.