ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગની ધરતી અને તેની આદિવાસી પ્રજા રોચક ઇતિહાસ તેમજ રસપ્રદ ખાનપાનની શૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. એક તરફ તીર-કામઠા લઇને નૃત્ય કરતી અને ડુંગરોમાં રહી ધનુષ્ય બાણ ચલાવતી પ્રજા છે. તો બીજી તરફ છે ડાંગની નવી પેઢી, કે જેઓ આધુનિક સમયમાં પણ પોતાની માતૃભૂમિના ભવ્ય વારસા માટે ગૌરવ પણ ધરાવે છે અને તેને રેપ સોંગના શબ્દોમાં ઢાળી પોતાની આગવી પ્રતિભાનો પણ પરિચય કરાવે છે.
ધવલીદોડ ગામના યુવાનોને ડાન્સ પ્રત્યે પણ અદ્ભૂત લગાવ છે. ડાન્સમાં નામના મેળવવાની તેમની ઝંખનાને પગલે તેમણે એક ટીવી રિયાલીટી શોમાં પણ તક મેળવી, પરંતુ તેઓ શોમાં આગળ વધી શક્યા નહીં. તેમ છતા આ યુવાનો ધવલીદોડના ડુંગરો પર નિયમિતપણે ડાન્સની પ્રેકટિસ કરે છે. ડાન્સ એ તેમના જીવનનું અભિન્ન અંગ છે.
યુવાનો નબળી આર્થિક પરિસ્થિતીમાં આજીવિકા ચલાવવા માટે અલગ-અલગ જગ્યાએ મજૂરીકામ કરે છે. પરંતુ જો આ યુવાનોને સરકાર દ્વારા જ સ્થાનિક કક્ષાએ પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે તો તેમને દેશભરમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે અને ગુજરાતના અનેક કલાકારોની જેમ તેઓ પણ તેમની સંસ્કૃતિને વિશ્વ સામે ઉજાગર કરી શકે.
આ યુવાનોની ડાન્સ પ્રત્યેની લગન અને જુસ્સો એવા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ અનેક અભાવો વચ્ચે પણ પોતાની કલાપ્રતિભા ટકાવવા ઝઝૂમી રહ્યા છે.
ડાંગથી ઉમેશ ગાવિતનો વિશેષ અહેવાલ...