- 2020થી ચાલુ થયેલી ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દરેક ચુંટણી લડશે
- ડાંગ જિલ્લાના શિક્ષિત યુવા વર્ગને રાજનીતિમાં લાવવાનો પ્રયાસ કરશે
- ડાંગમાં થર્ડ પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી આગળ આવી રહી છે
ડાંગઃ ડાંગ જિલ્લામાં થર્ડ પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી અને બીટીપી પાર્ટી સક્રિય રીતના કામ કરતી જોવા મળી રહી છે. જોકે, અત્યાર સુધી ડાંગમાં ફક્ત ભાજપ અને કોંગ્રેસ પાર્ટીનો જ દબદબો રહ્યો છે. આદિવાસીઓનાં વિકાસ અને સંવિધાનની વાતો કરતી બીટીપી પાર્ટી પણ સુબિર વિસ્તારમાં સક્રિય થઈ કામગીરી કરે છે. જ્યારે માર્ચ મહિનાથી ચાલુ થયેલ આમ આદમી પાર્ટી પણ હવે સ્થાનિક લેવલની દરેક ચૂંટણીઓમાં લડવાનું મન બનાવી લીધું છે.
શિક્ષિત યુવા વર્ગને આમ આદમી પાર્ટી રાજનીતિમાં આવવાની તક આપશે
ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ મનીષભાઈએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકતાઓ દ્વારા આજ રોજ બોરખેત મંદિર ખાતે ચૂંટણીના શ્રીગણેશ કર્યા છે. આગામી દિવસોમાં યોજાનારી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારશે. પાર્ટી શિક્ષિત, ઈમાનદાર અને સેવાભાવી યુવાઓને તક આપશે. પાર્ટીને મજબૂત કરવા માટે તેઓ ડોર ટૂ ડોર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની સૂચિ બહાર પાડશે.
ડાંગ જિલ્લાનાં લોકો ત્રીજા વિકલ્પની શોધમાં
ડાંગ જિલ્લા રાજકીય પડિતોનું માનીએ તો ગત મહિનામાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કદાવર નેતા મંગળ ગાવિતે કેસરિયો ધારણ કરી લીધો હતો. ત્યારબાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના ચાણકય ગણાતા ચંદર ગાવિતે પણ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લીધો છે. વિધાનસભાની પેટા ચૂંટણી એકતરફી કહી શકાય કે, જ્યાં ભાજપના ઉમેદવારની જંગી બહુમતી સાથે જીત થઈ હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે, આગામી દિવસોમાં ડાંગ ની જનતા ત્રીજા વિકલ્પ ને સ્થાન આપશે કે કેમ.