ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડતા કોઝવે પર પાણી ઓવરફ્લો થયા છે. જેના કારણે લોકોના જનજીવન પર અસર પડી છે. ડાંગના કોઝવે ઉપર પાણી ફરી વળતા 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેને કારણે લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે. ભારે વરસાદના કારણે સતી વાગણ રોડ, નનાપાડા-કુમારબંધ રોડ, સુપદહાડ-સૂર્યા બરડા રોડ, ઘોડાવહળ રોડ, પીપલદહાડ-જોગથવા રોડ, બોરખલ-ચોક્યા પાંડવા, ધુલચોંડ-આમસરવલણ રોડ પરના કોઝવે ઓવરફ્લો થયા છે.
કોઝવે ઓવરફ્લો થવાથી બીજા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કોઝવે ઓવરફ્લો થતા તંત્રએ જણાવ્યું છે કે, વરસાદ બંધ થતા કોઝવે પરથી પાણી ઉતરી જશે અને લોકોની અવર જવર ચાલુ થઈ જશે. ડાંગ જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી ભારે વરસાદના પગલે જિલ્લાની સમગ્ર નદીઓ અંબિકા, ખાપરી, પૂર્ણા તેમજ ગીરા નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. નદીઓના ઘોડાપુર પ્રવાહને કારણે અસરગ્રસ્ત ગામો સંપર્ક વિહોણા બનતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે જિલ્લાના અમુક કોઝવે પાણીમાં ગરકાવ થતા કોઝવેની સમસ્યા વહેલી તકે દૂર થાય અને મોટા કોઝવે બનાવવાની લોક માગ ઉઠી છે. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે.