ડાંગ : હવામાનવિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ તૂટી પડેલો જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણીની રેલમ છેલ ફરી વળતા સમગ્ર પંથકનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત ત્રણેય તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો.જેને પગલે સહેલાણીઓમાં આનંદ જોવા મળ્યો હતો તો ખેડૂતોમાં ચિંતા ફેલાઇ ગઇ હતી.
પ્રવાસીઓનો આનંદ બેવડાયો : હવામાન વિભાગની દ્વારા કરવામાં આવેલ કમોસમી વરસાદ આગાહી મુજબ તારીખ 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત થઇ હતી. જેમાં સાપુતારામાં ચાલતી તમામ મનોરંજન પ્રવૃત્તિઓ બંધ રાખવા જણાવાયું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં 10મીની સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી પાણી થવા સાથે આહલાદક માહોલ સર્જાયો હતો. વરસાદ બાદ ગીરી કંદરા સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.
આ પણ વાંચો Dang Rainfall: ચૈત્ર મહિનામાં ચોતરફ પાણી પાણી, આઘાતની જેમ પડ્યો અણધાર્યો મેઘો
વાતાવરણ ઠંડુ બન્યું : વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ બાદ ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે બોટિંગ પ્રવેશદ્વાર પાસે પાણીનો ભરાવો થતા પ્રવાસીઓને હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી હતી. સુબીર તાલુકામાં અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો. જ્યારે અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ પણ પાણીની આવકમાં વધારો થયો હતો. સાપુતારા પંથકમાં છેલ્લા સતત બે દિવસથી વરસી રહેલો વરસાદના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે.
ધુમ્મસની ચાદરમાં સહેલગાહ : જોકે સમયાંતરે ધુમ્મસની ચાદર ફરી વળતા સહેલગાહે આવેલા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.વરસાદી માહોલનાં પગલે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, સહિત શબરી ધામ સુબીર, ડોન સહિતના સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે કમોસમી માવઠાની સાથે દિવસ દરમ્યાન ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા વાતાવરણ ખુશનુમા બનવા પામ્યુ હતું.
મનોરંજન પ્રવૃત્તિ બંધ : દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાયેલી હોવાથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કમોસમી વરસાદ આગાહી મુજબ તારીખ 10/04/2023 થી 14/04/2023 સૂધી સાપુતારામાં ચાલતી તમામ મનોરંજન અંગે ચાલતી પ્રવૃત્તિ બંધ રાખવા જણાવેલું છે. ડાંગ જિલ્લામાં અગાઉથી જ તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે. સાપુતારા નોટીફાઈડ એરિયા કચેરી હસ્તક ચાલતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે નૌકાવિહાર, પેરાગ્લાઈડિંગ, ઝીપ લાઈન, એડવેન્ચર પાર્કમાં ચાલતી તમામ એક્ટિવીટી, જોય ટ્રેન, સાયકલિંગ, નાની-મોટી તમામ પ્રકારની મનોરંજન પ્રવૃત્તિ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
ખેડૂતોની ચિંતામાં વધારો : જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી માવઠું વર્તાતા ડાંગી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા, આહવા વઘઇ, સુબીર સહીત પુર્વપટ્ટી તથા સરહદી વિસ્તારના ગામડાઓમાં સતત બીજા દિવસે કમોસમી માવઠાએ દિવસે કમોસમી માવઠાએ કહેર વર્તાવતા તપ્ત ધરા સહિત માર્ગો પર પાણી પાણી થઈ જવા પામ્યું છે. જિલ્લામાં કમોસમી વરસાદનાં પગલે શાકભાજી, ફળફળાદી સહિત કેરી પાકને જંગી નુકસાન થવા પામ્યું હતું.