ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે રહેતી બન્ને દિકરી શિવાનીબેન રાયપાભાઈ પુલેન. ઉ.18 તેમજ અંજલિબેન રાયપાભાઈ પુલેન.ઉ.16 જે બન્ને બુધવારે સવારે માતા સાથે કપડા ધોવા માટે સાપુતારા ખાતેનાં નવાગામ સ્થિત આવેલ તળાવનાં કિનારે ગઈ હતી.
તળાવનાં કિનારે કપડા ધોઈને આ બન્ને બહેનો તળાવમાં ન્હાવા માટે પડી હતી. જયા તળાવનાં ઊંડા પાણીમાં એક બહેન ડૂબતા બીજી બહેન તેને બચાવવા માટે ગઇ હતી. જયારે બન્ને બહેનોને ડૂબતા જોઇ માતાએ બુમાબુમ કરી મૂકી હતી.
માતાએ નજીકમાં દોડી જઇ કેટલાક યુવાનોને આ વાત જણાવતા યુવાનો ધટના સ્થળે દોડી આવ્યા હતા. અને તળાવમાં બન્ને બહેનોને શોધી બહાર કાઢી હતી.ત્યાર બાદ બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યા ડોકટરે બન્ને બહેનોને મૃત જાહેર કરી હતી.
આ અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમે હોસ્પિટલ પહોંચી પંચનામુ કરી આગળની તપાસ હાથ ધરી છે.