ડાંગનાં શામગહાન SBI બેંકનાં કર્મચારીઓની કામગીરીથી આમ જનતા ત્રાહિમામ
- લોકો અન્ય કોઈ જગ્યાએથી પણ પેસા ઉપાડી શકે તે માટે KYC જરૂરી
- શામગહાન બેંકમાં ડિપોઝીટ મશીન પણ જોવા મળતું નથી
- લોકો 30 કિમી દૂર આહવા જવા મજબૂર બન્યા
ડાંગઃ જિલ્લાનાં શામગહાન ગામમાં આવેલા SBI બેંક કર્મચારીઓનાં કામગીરીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બેંક કર્મચારીઓ દ્વારા લોકોની કામગીરીમાં ઢીલ તથા છેલ્લાં છ મહિનાથી બેંકનું એન્ટ્રી મશીન બંધ થઈ જતાં લોકો 30 કિમી દૂર આહવા જવા મજબૂર બન્યા છે.
ડાંગનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ શામગહાન ગામમાં આવેલા એકમાત્ર SBI બેંકનાં કર્મચારીઓનાં મનસ્વી કામગીરીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સાપુતારા સહિત મહારાષ્ટ્રને જોડતાં ગામડાઓનાં ગ્રાહકો આ બેંક સાથે જોડાયેલા છે. સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર શામગહાન બેંકમાં કોઈપણ એક કામ માટે બે થી ત્રણ આંટાફેરા મારવા પડે છે. જેથી કેસલેસ ઈન્ડિયા માટેની યોજનાઓ અહી પોકળ સાબિત થઈ રહી છે. લોકો અન્ય કોઈ જગ્યાએથી પણ પેસા ઉપાડી શકે તે માટે KYC જરૂરી છે. ત્યારે તેનાં ફોર્મ પણ અહી ભરવા દેવામાં આવતા નથી અને જો ફોર્મ ભર્યા હોય તોય KYC કરી આપવામાં આવતુ નથી.
ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા અભણ આદિવાસી લોકો સાથે અહી કામગીરીનાં બાબતે મઝાક ઉડાવવામાં આવી રહી છે. વૃદ્ધ પેંશન યોજના,મનરેગા, પીએમ કિસાન યોજના અંતર્ગત બેંકમાં જમા થતા પૈસા વિશે લોકો જ્યારે બેંકમાં જાય છે, ત્યારે બેંક કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તણુક કરવામાં આવે છે. શામગહાન બેંકમાં ડિપોઝીટ મશીન પણ જોવા મળતુ નથી,બેંકને જરૂરી અને ગ્રાહકોને સરળ બને તે માટેની તમામ સુવિધાઓનો અભાવ જોવા મળે છે.
આ બેંકની બેદરકારી બાબતે મીડિયામાં કેટલીક વાર સમાચારો પ્રસિધ્ધ થયા હોવા છતા પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. શામગહાન ગ્રુપ ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ અને રાનપાડા ગામનાં આગેવાન ગોપાળભાઇ બંગાળ જણાવે છે કે, બેંક કર્મચારીઓ દ્વારા લાપરવાહી પૂર્વક કામગીરી કરવામાં આવે છે. અહી લોકોનુ કામ કરી આપવામાં નથી. અહીં કર્મચારીઓનો અભાવ છે. અહીંની પ્રજા અભણ હોય આ બેંકનાં કર્મચારીઓ તથા મેનેજર લોકોનો ફાયદો ઉઠાવી રહ્યા છે.
તંત્રને સમસ્યા બાબતે વારંવાર રજુઆત કરવા છતા શામગહાન SBI બેંક અંગે કોઇ તકેદારીના પગલા લેવામા આવ્યા નથી. જેથી ડાંગ જિલ્લા કલેક્ટર આ બાબતે જરૂરી પગલા ભરે તેવી માગ ઉઠવી હતી.