આહવા: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ધીરે ધીરે વૈશ્વિક મહામારી એવા કોરોનાનું સંક્રમણ વધતા ચિંતાજનક સ્થિતિ ઘેરાવા માંડી છે.થોડા દિવસપૂર્વે ડાંગ જિલ્લાના વ્યાપારી નગર વઘઇ ખાતે એક ચૌધરી પરિવારની વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ વૃદ્ધ મહિલાના સંક્રમણમા આવેલા એક જ પરિવારના એક પછી એક એમ 07 સભ્યોનો થોડા દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને આહવા કોવિડ કેર હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા હતા.
સોમવારે વઘઇ ખાતેના મંદિર ફળિયામાં રહેતા આ જ ચૌધરી પરિવારના વધુ ત્રણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે.અહી 19 વર્ષિય યુવક સાથે અનુક્રમે 40 અને 45 વર્ષિય મહિલાઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી.
વઘઇ નગરમાં એક જ પરિવારમાં કુલ 10 જેટલા સભ્યોને એક પછી એક એમ કોરોનાના સંક્રમણનો ચેપ લાગતા નગરવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.હાલમાં આ ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓને આહવા કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેટ કરાયા હતા.ડાંગમાં વધતા કોરોનાના કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનેટાઈઝરના નિયમિત ઉપયોગ,અને સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ સાથે,જિલ્લા વહીવટી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.