- 2017 ની સરખામણીમાં 2020માં વધુ મતદાન
- ડાંગ 74.71 ટકા મતદાન નોંધાયું
- કોરોનામા મતદારોએ બતાવી સાવચેતી
ડાંગ: ડાંગ વિધાનસભા મતદાર વિભાગની 3 જી નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં કુલ 74.71 ટકા મતદાન નોંધાવા પામ્યુ હતું.
આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે કર્યું પોતાનું પ્રથમ મતદાન
"કોરોના કાળ" મા ખુબ જ સાવચેતી અને ચોક્સાઈ સાથે યોજાયેલી આ ચૂંટણી માટે બન્ને પક્ષોના ઉમેદવારો સહિત "મતદાર જાગૃતિ અભિયાન"ના યુથ આઇકોન અને આંતરરાષ્ટ્રીય દોડવીર કુ.સરિતા ગાયકવાડે પણ તેનુ પ્રથમ મતદાન તેના ગામ કરાડીઆંબા ખાતે કર્યું હતુ. ડાંગ જિલ્લામા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ ટીમ ડાંગના અધિકારી, કર્મચારીઓએ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ખુબ જ સુચારુ રૂપે શાંતિપૂર્ણ માહોલમા પાર પાડી હતી.
કોંગ્રેસના સૂર્યકાંત ગાવિત જીતી શકે
પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીત વચ્ચે સીધો જંગ હતો. તે ઉપરાંત એક ઉમેદવાર બીટીપીનો હતો. જો કે ડાંગ બેઠક કોંગ્રેસની હોવાથી અહીં કોંગ્રેસના સૂર્યકાંત ગાવિત જીતી શકે છે, પણ અપક્ષ મતને તોડશે. બીજુ ડાંગમાં સૌથી વધુ મતદાન થયું છે.
ગત ચૂંટણીઓનું મતદાન
ડાંગ જિલ્લામાં આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓના પરિણામો ઉપર નજર કરીએ તો અહીં સને 2014ના લોકસભા ચુનાવમા 81.33 ટકા, સને 2017ની વિધાનસભાની ચૂંટણીમા 72.74 ટકા, અને 2019ની લોકસભાની ચૂંટણીમા 81.23 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે. જ્યારે 2020ની પેટા ચૂંટણીમાં કુલ 74.71 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.
આચારસંહિતાનો ભંગ બદલ કોંગ્રેસી આગેવાનો દ્વારા ફરિયાદ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ભીસ્યા ગામે આજરોજ મતદાન થતી વેળાએ અન્ય જિલ્લાનાં મતદારો સવાર થઈ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા હતા. જે આચાર સંહિતાનાં ભંગ થતો હોવાની ફરિયાદ ડાંગ જિલ્લાનાં જાગ્રત મીડિયા પ્રતિનિધિએ ગુજરાત ચૂંટણી પંચને ફરિયાદ કરતા આહવા પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલે આ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ડાંગનાં ભીસ્યા ગામે આવેલા બુથની બહાર અન્ય જિલ્લાના મતદારો ઉભા હતા. જેમના વિરૂદ્ધ આ મીડિયાનાં પ્રતિનિધિએ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્રણ કારમાં આવેલા આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ આહવા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બોક્ષ-(3)ડાંગ જિલ્લાનાં પેટા ચૂંટણીનાં મતદાન વેળાએ ભાજપા અને કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારોએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ અને ભાજપ પક્ષનાં બન્ને નેતાઓએ જીતનો દાવો કર્યો
ડાંગ જિલ્લામાં 173 વિધાનસભાની બેઠક માટે મતદાન થયુ હતુ. ત્યારે ડાંગ જિલ્લાનાં ભાજપ પક્ષનાં ઉમેદવાર વિજયભાઈ પટેલે પોતાના ગામ હનવતચોંડ ગામે વહેલી સવારે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર સૂર્યકાંત ગાવીતે પણ પોતાનાં ગામ સુસરદા ખાતે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ડાંગ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો હતો.
આચારસંહિતાનો ભંગ બદલ કોંગ્રેસી આગેવાનો દ્વારા ફરિયાદ
પેટા ચૂંટણીને જીતવા ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા એડી ચોંટીનું જોર લગાવ્યુ છે. ત્યારે 3 જી નવેમ્બરનાં રોજ મતદાન વેળાએ ભાજપ પક્ષનાં અજાણ્યા શખ્સો ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચનખલ તથા અન્ય ગામોમાં નાણાંનો વ્યવહાર કરી રહ્યાની વિગતો સ્થાનિક કોંગ્રેસનાં આગેવાનોને મળતા અહી ભારે હંગામો થયો હતો. આ ચૂંટણી આચારસંહિતાના ભંગ બાબતે ડાંગ જિલ્લાનાં કોંગ્રેસી આગેવાનોમાં સ્નેહલ ઠાકરે અને કમલેશભાઈ પટેલે ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવી હતી.