ડાંગઃ કોરોના વાઇરસનાં સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉનની પરીસ્થિતિ છે, ત્યારે રોજનું કમાઇને પેટીયું રળતા લોકોની હાલત કફોડી બની છે. ડાંગ જિલ્લાના આદિવાસી લોકો મોટાભાગે મજુરી કામ કરીને ગુજરાન ચલાવે છે. હાલમાં લૉકડાઉનનાં કારણે લોકોને મળતું મજુરી કામ બંધ થઇ ગયું છે, ત્યારે મજુરી કરીને કમાઇ ખાનારા લોકોની હાલત દયનીય બનવા પામી છે. તેવામાં ડાંગ પોલીસના વડા સ્વેતા શ્રીમાળીના માતા-પિતાએ ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ આપીને માનવતા મહેકાવી હતી.
આ અનાજ કીટમાં ધંઉનો લોટ 5 કિલો, તુવેર દાળ, ચોખા, ખાંડ, મીઠું, હળદર તેમજ કાંદા, બટાકા, તેલ, બિસ્કિટસ, સાબુ વગેરે જીવન જરૂરીયાતની તમામ ચિજવસ્તુઓનું વિતરણ કર્યું હતું.
ડાંગ એસ.પીના માતા વિમલેશ શ્રીમાળી તેમજ પિતા શૈલેન્દ્ર શ્રીમાળી દ્વારા ડાંગ આહવાના નગરના તેમજ આજુબાજુ ગામડાઓમાં કુલ 250 જેટલી કીટોનું વિતરણ કર્યું હતું. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે માસ્ક ખુબ જ જરૂરી હોવાથી આ દંપતીએ અનાજ વિતરણની સાથે ખાસ માસ્કનું પણ વિતરણ કર્યું હતું.