- કોરોના કાળમાં સરકારની અસુવિધાઓ બાબતે કોંગ્રેસનો વિરોધ
- કોંગ્રેસે જિલ્લા સેવા સદન ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો
- આહવા સરકારી હોસ્પિટલમાં બેડની સુવિધાઓ વધારવા માગ કરી
ડાંગઃ કોરોનાની બીજી ઘાતક લહેર લોકો ઉપર કહેર બનીને તૂટી પડી છે. ત્યારે આ કોરોનાનાં સંકટમય સમયમાં રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં પૂરતો દવાનો જથ્થો ન હોવાના પગલે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનાં અણઘડ વહીવટ અને સંકલનનાં અભાવના વિરોધમાં આજે રવિવારે જિલ્લા સેવા સદન કચેરીની બહાર ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચોઃ ડાંગના આહવામાં કોરોના અંગે સરપંચ દ્વારા જાગૃતિ ફેલાવી સંક્રમણ અટકાવવાના પ્રયાસો કરાયા
આહવા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ વધારવા કોંગ્રેસે કરી માગ
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોવિડને નાથવા માટે કામગીરી કરવામાં આવે છે. પરંતુ સરકારની અસુવિધાઓના કારણે હાલ લોકોને ગંભીર પરિસ્થિતિ ભોગવવાનો વારો આવ્યો છે. આહવા સિવિલ હોસ્પિટલમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલી છે. પરંતુ અહી ફક્ત 35 બેડ ઉપર ઓક્સિજનની સુવિધાઓ છે. તદઉપરાંત જિલ્લામાં જે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે, ત્યાં આરોગ્ય સ્ટાફ ન હોવાના કારણે આ આઇસોલેશન શોભાના ગાંઠિયા સમાન છે. સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને હંગામી ધોરણે રોજગારી આપી અહીં સ્ટાફ વધારવાની જરૂર છે.
પ્લેકાર્ડ રજૂ કરી વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં ડાંગ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરી, કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે તેમજ જિલ્લા સદસ્ય ગીતાબેન પટેલ સહિતના આગેવાનોએ સરકાર સામે વિવિધ માંગણીઓ સાથેના પ્લે કાર્ડ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો.