ડાંગ: ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. વિધાનસભામાં બે ટર્મ પહેલા અહીં ભાજપની પહેલીવાર સીટ આવી હતી. જે બાદ ભાજપ અહીં પોતાનો પગ જમાવવાની મથામણ કરી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણીની ઘમસાણમાં કોંગ્રેસના ગઢ અને ડાંગ જિલ્લા કોંગ્રેસના કદાવર નેતા માજી ધારાસભ્ય ડો.મંગળભાઈ ગાવીતના રાજીનામા બાદ કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ ભાજપ પાર્ટીના નેતાઓમાં ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કયા ઉમેદવારને ટિકીટ ફાળવવી જે બાબતે અસમંજસતા દેખાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકો માટે આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે દક્ષિણ ગુજરાતની કપરાડા અને ડાંગ બેઠકના કદાવર નેતાઓ દ્વારા રાજીનામું ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો. જે બાદ કોંગ્રેસી 10 આદિવાસી ધારાસભ્યો અને ઊંચા ગજાના નેતાઓ ડાંગ તથા કપરાડા મુલાકાતે ગયા હતા.
ડાંગ જિલ્લા કોંગ્રેસના કદાવર નેતા માજી ધારાસભ્ય દ્વારા અચાનક જ રાજીનામું ધરી દેતા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી જવા પામ્યો હતો. માજી ધારાસભ્યએ રાજીનામું આપવાનું કારણ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓની કામગીરી અંગે અસંતોષ તથા વિકાસનું બહાનું બનાવ્યું હતું. તેમ છતાં માજી ધારાસભ્ય ડો.મંગળભાઈ ગાવીતની લોકચાહના અકબંધ છે. લોકડાઉન અને કોરોના મહામારીમાં વિકાસ અને લોકસેવાની વાતો કરનાર એક પણ નેતા લોકો વચ્ચે દેખાયા ન હતા. ફક્ત ડો.મંગળભાઈ ઘરે ઘરે દોડી જઇ લોકોની સેવામાં લાગી ગયા હતા.
ડો.મંગળભાઈ ગાવીત બાદ કોંગ્રેસમાં લોકચાહના ધરાવનાર એકપણ નેતા જણાઈ રહ્યા નથી. ત્યારે ભાજપ પાર્ટીના નેતાઓમાં નવો જોશ જોવા મળી રહ્યો છે. ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલ ડાંગની મુલાકાતે આવ્યા હતા. જેમાં પાર્ટીમાં અણબનાવ અંગે અને નેતાઓની કામગીરી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
છેલ્લાં બે ટર્મમાં ડાંગ જિલ્લા ભાજપ નેતાઓના વ્યક્તિ વચ્ચેનો આંતરિક વિખવાદથી ત્રણ વખત ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ડાંગ જિલ્લામાં વિજયભાઈ પટેલ જ ભાજપ પાર્ટીના કદાવર નેતા ગણાય છે. તેઓ છેલ્લા ચાર ટર્મથી ધારાસભ્યોમાં સતત દાવેદારી કરતા આવ્યા છે. અને પાર્ટી પણ વિજયભાઈ ઉપર જ પોતાની પસંદગી ઉતારી રહી છે. વિધાનસભાની બે ટર્મ પહેલા વિજયભાઈ પટેલને ફક્ત એક વાર જીત મળી હતી.તેઓ બે ટર્મમાં 500 થી 600 મતથી હારી ગયા હતા.જે અંગે પોતાના જ પાર્ટીના નેતાઓ દ્વારા ગદ્દારી કરી હોવાનું બહાર આવ્યું હતું. જો આ વખતે વિજયભાઈ પટેલને ટિકીટ આપવામાં આવે તો ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાબભાઈ ચોર્યા, માજી પાર્ટી પ્રમુખ રમેશભાઇ ચૌધરી ઉર્ફે ડોન નારાજ થઈ શકે છે.
વર્ષોથી ચાલતો આવતો પાર્ટી વચ્ચેનો જૂથવાદ વિજયભાઈ પટેલની હાર અપાવી રહી છે. જ્યારે પૂર્વપટ્ટી વિસ્તારના ભાજપના કદાવર નેતા રમેશભાઈ ડોન અને તેમની પત્ની બીબીબેન ચૌધરી જેઓ જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ વખતે એક પણ પાર્ટીના તરફેણમાં મત ન આપી તટસ્થ રહ્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા સંમતિ દાખવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ ભાજપ પાર્ટીમાં અણબનાવ ચાલુ થઈ જવા પામ્યા હતા.
ડાંગ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ 50-50 ટકા મતબળો ધરાવે છે. જેમાં વર્ષોથી પાર્ટીના નેતાઓ દ્વારા જ પાર્ટીને નુકસાન થાય છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલી કમલમ બેઠકમાં હારેલા ધારાસભ્યની મીટીંગ બોલાવી હતી. જેમાં હારનું કારણ પક્ષના ગદ્દારો છે. ધારાસભ્યોની આ વાત સી.આર.પાટીલે સાંભળી નહિ. તેમ છતાં ભાજપ પાર્ટી કદાચ વિજયભાઈ પટેલ ઉપર ટિકિટ નો કળશ ઢોળી શકે છે. જેમાં પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચોર્યાના પોતાના કાર્યકર્તાઓનું સમર્થન અને વિજયભાઈ પટેલને જંગલ મંડળી સહિત સરપંચોનું સમર્થન વચ્ચે તકરાર થઈ શકે છે.
ડાંગ જિલ્લામાં નેતાઓના જૂથવાદ માં ફરી ભાજપને હારનો સામનો કરવાની વારી આવશે એવું ચર્ચાઈ રહ્યું છે. જેમાં લોકચાહના બાબતે અંકબંધ ડૉ.મંગળ ગાવીત ઉપર જો ભાજપ પાર્ટી વિચાર કરે તો પાર્ટીને ફાયદો થઈ શકે છે. તેમ છતાં નવનિયુક્ત ગુજરાત ભાજપ પાર્ટી પ્રમુખ સી.આર.પાટીલના એક ભાષણમાં જણાવ્યા અનુસાર પાર્ટી અન્ય પક્ષના નેતાઓને ટિકિટ ક્યારેય નહીં આપે. જેમાં હવે જોવાનું એ રહ્યું કે ભાજપના નેતાઓની મનમેળા અને મનભેદ ઉપલા લેવલે ઉકેલી શકે છે કે નહીં. જ્યારે ડાંગમાં ભાજપ પાર્ટીના દર વખતે ના જૂથવાદથી કોંગ્રેસને ફાયદો થતો આવ્યો છે. તેમ છતાં પણ ટૂંક સમયમાં યોજાનાર ડાંગ જિલ્લા 173 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામી શકે છે.