ડાંગ : કોરોના વાઇરસની મહામારી આજે વૈશ્વિક સ્તરે ફેલાઇ ગઇ છે. આવા સમયમાં સરકાર દ્વારા લોકડાઉન જેવા પગલાઓ લઇને કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા તમામ ટીમો રાત-દિવસ કામ કરી રહી છે.
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાની ભારે જહેમતને પરિણામે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-2020માં લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી તપાસવા માટે ડાંગ જિલ્લાને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
કોરોનાને પગલે રેડ ઝોનમાં બોર્ડના પેપરો તપાસવાની કામગીરી થઇ શકી નથી. ત્યારે ડાંગ જિલ્લામાં સૌપ્રથમવાર તા.24 એપ્રિલથી આ કેન્દ્ર શરૂ થતા આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા દીપદર્શન માધ્યમિક શાળા,આહવામાં આ કેન્દ્ર ચાલુ છે.
શાળાના આચાર્યા અને કો-ઓર્ડિનેટર સિસ્ટર સુહાસિની પરમારે જણાવ્યું હતું કે, હાલમાં જ કોરોના વાઇરસને કારણે બોર્ડની ગાઇડલાઇન તેમજ આરોગ્ય વિભાગના દિશા-નિર્દેશ મુજબ શાળાના વર્ગખંડોને સેનિટાઈઝ કરાવી મધ્યસ્થ કેન્દ્ર તૈયાર કરાયું છે.
પરિક્ષકોની નિમણૂંક પાંચ-પાંચ સભ્યોની ત્રણ ટુકડી બનાવી સામાજિક અંતર જાળવી માસ્ક સાથે સમગ્ર ડાંગ જિલ્લામાંથી 24 જેટલા શિક્ષકો સંસ્કૃત વિષયની 3000 જેટલી ઉત્તરવહી તપાસણીની કામગીરી કરી રહયાં છે.