ડાંગ: રાજ્ય સરકાર દ્વારા અનલોક-1ની ગાઇડલાઇન્સ પ્રમાણે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જે મુજબ અનેક સેવાઓનો અને સરકારી કચેરીઓનો પણ પ્રારંભ કરી દેવાયો છે.
સમગ્ર રાજ્યમાં હવે એસ.ટી.બસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ આહવા ડેપો દ્વારા લોકલ અને એક્ષપ્રેસ બસોનું આયોજન કરવામાં આવ્યુ છે, જ્યારે જિલ્લામાં અને જિલ્લા બહાર પોઈન્ટ મૂકવામાં આવ્યા છે.
એસટીના કર્મીઓ દ્વારા મુસાફરોનુ બસ સ્ટેન્ડ પર થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને માસ્ક પહેરેલા મુસાફરોને જ બસમાં બેસવા દેવામાં આવે છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરાવી બસની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લામાંથી રાજયના અન્ય જિલ્લામાં પણ મુસાફરો જઇ રહ્યા છે, તેમજ રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુ સ્થિતિ યથાવત રહેવા પામી છે.
આથી દરેક એસટી બસ સેવા રાત્રીના 8 વાગ્યા સુધીમાં પોતાના અંતિમ નક્કી કરેલ સ્થળે પહોચી જાય તે પ્રકારે બસ દોડાવવામાં આવી રહી છે, જ્યારે સોશિયલ ડિસ્ટન્સના નિયમનુ પાલન પણ કરવામાં આવ્યુ છે.
આહવા ડેપોના એસટી બસના ડ્રાઈવરના જણાવ્યા મુજબ દરેક બસને ટ્રીપ માટે જતા પહેલા અને ટ્રીપ પૂર્ણ કરી આવે તેના પછી સેનેટાઈઝ કરી બીજી ટ્રીપ આપવામાં આવે છે. આ સાથે જ નિગમના સંચાલકીય સ્ટાફ માટે પણ પર્યાપ્ત કાળજી લેવામાં આવી છે.