ડાંગ : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે લૉકડાઉન અસરકારક ઉપાય છે. ડાંગ જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યની સરહદ ઉપર આવેલો હોવાથી અહીંથી મહારાષ્ટ્ર જવાના તમામ રસ્તાઓના નાકા ઉપર આરોગ્ય અને પોલીસ, તેમજ વન વિભાગની ટીમ ૨૪ કલાક ફરજ બજાવી રહી છે. રાજ્ય બહાર કામ-ધંધાર્થે ગયેલા લોકો, બહારના રાજ્યમાંથી પગપાળા કે અન્ય વાહનો દ્વારા જ્યારે આવે છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે તેઓને સરકારના દિશા-નિર્દેશ અનુસાર રાખવા પડે છે.
રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બેંગ્લોરથી રાજસ્થાન પગપાળા જવા નીકળેલા શ્રમિકો આવી ચડતા તુરંત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તેઓને ઝડપી લઇ ડાંગ કલેકટર એન.કે.ડામોરને જાણ કરાતા તુરંત તેઓને સાપુતારા પ્રવાસન વિભાગના (ડોરમેટરી) શેલ્ટર હોમમાં ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. સાપુતારા-વઘઇ આંતર રાજ્ય ધોરીમાર્ગ હોવાથી કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે.
પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે સાપુતારા ખાતે પહોંચી જઇ ક્વૉરેન્ટાઈન કરાયેલા શ્રમિકોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓની ચકાસણી કર્યાની વિગતો મેળવી હતી.
ડિઝાસ્ટર મામલતદાર જયેશભાઇ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં કુલ ત્રણ શેલ્ટર હોમ કાર્યરત કરાયા છે. જેમાં એક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ હસ્તક ડોરમેટરી કે જ્યાં કુલ ૧૬૦ લોકો રહી શકે તેવી સગવડ ધરાવે છે. જ્યાં રહેલા લોકોને રહેવા-જમવાની સગવડ વિનામૂલ્યે કરવામાં આવે છે. પ્રવાસન મેનેજર રાજુભાઇ ભોંસલે ત્યાંના નોડલ ઓફિસર છે. જ્યારે ડાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર એવા વઘઇ ખાતે બીજુ શેલ્ટર હોમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની હોસ્ટેલ છે.
અહીં કુલ-૪૦ લોકોને રાખી શકાય તેવી સુવિધા છે. અને જિલ્લા મથક આહવા ખાતે ત્રીજુ શેલ્ટર હોમ આત્મા પ્રોજેક્ટ હેઠળનું ખેડૂત તાલીમ કેન્દ્ર છે. જેમાં કુલ-૬૦ માણસોની રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વઘઇ અને આહવા ખાતે મામલતદાર નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે.