ડાંગ: મહિલા શક્તિ કેન્દ્ર આહવા દ્વારા 100 ટકા સરકારી અને બિન સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. તેમજ મહિલાલક્ષી ચાલતા વિવિધ સેન્ટરો સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવે છે. 181ની ટીમ દ્વારા હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતોની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા આપતી સરકારની યોજના વિશે જાણકારી પણ આ સેમિનારમાં આપવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર થકી મહિલાઓ માટે પોલીસ સ્ટેશનમાં સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવી છે. જ્યાં પીડીત મહિલાનું અને તેના પરિવારજનોનું આવશ્યકતા મુજબ કાઉન્સેલીંગ કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. તેમજ સખી વન સ્ટોપ સેન્ટરમાં જરૂરિયાતમંદ મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક સ્થળેથી વિનામૂલ્યે મળી રહે છે. જેની વિસ્તૃત સમજ અપાઇ હતી.
આ ઉપરાંત દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવા ‛બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત શપથ વિધિ લેવામાં આવી હતી. આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠિયાએ સ્ત્રીઓના રક્ષણ માટે કાયદાકીય રીતે નિયુક્ત થયેલા અધિકારોની સમજ આપી હતી. તથા ડૉ.બી.એસ.પટેલ દ્વારા સ્ત્રી પુરૂષનો રેસીયો તેમજ જાતિય સતામણી વિશે માહિતી આપી હતી. અને આયુષ મેડિકલ ઓફિસર ડૉ.કે.બી.ભુગડિયા દ્વારા મહિલાલક્ષી યોજના વિશે જાણકારી આપી હતી. તેમજ મહિલા કલ્યાણ અધિકારી જ્યોતી પટેલ, મહિલા શક્તિકેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા અભયમ હેલ્પલાઈન ટીમ સહિત જનરલ નર્સિંગ કોલેજના વિઘાર્થીઓ, આશા વર્કર બહેનો મળી કુલ 115 જેટલા બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.