ડાંગ: મળતી માહિતી મુજબ કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશ ત્રણ મહિના સુધી લોકડાઉન થયા બાદ હોટલ ઉધોગ સહિત નાના મોટા ધંધા રોજગાર ઠપ્પ થઈ જવા પામ્યા હતા. સતત પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારા ખાતે લોકડાઉન દરમિયાન સતત ત્રણ મહિના સુધી બંધ રહેતા હોટલ ઉદ્યોગ સહિત પ્રવાસનને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
હાલ ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સરકારના ગાઈડ લાઈન સાથે તારીખ 8-6-2020ના રોજ રાજ્યમાં મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલને કોવિન્ડ-19ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર(s.o.p)નું ચુસ્તપણે અમલ કરવાના શરતે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે માત્ર પ્રવાસીઓના આધારે રહેતા સાપુતારા સહિત તળેટી વિસ્તારના આદિવાસીઓને ધંધો રોજગાર મળી રહે તેવી આશા બંધાઈ છે.
આ સંદર્ભે સાપુતારા હોટલ એસોસિએશનનાં પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, તારીખ 8 જૂન 2020માં સરકારે નીતિ નિયમો સાથે હોટલ શરૂ કરવા છૂટ આપી છે. જેથી કોરોના અંગે સાવચેતીના તમામ નિયમોનું પાલન કરી પ્રવાસીઓને રૂમ આપવામાં આવશે. આ અંગે ગુજરાત પ્રવાસન નિગમ સાપુતારા હોટેલ તોરણના મેનેજર રાજેન્દ્રભાઇ ભોંસલેએ જણાવ્યું હતું કે, ઉપલી કક્ષાએથી પ્રવાસીઓ માટે સરકારની ગાઈડ લાઈન મુજબ રૂમોનું બુકીંગ માટે સૂચના મળી છે. જેથી આજથી સાપુતારા ટુરિઝમનું યુનિટ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.