ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં કુદરતે છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે. ડાંગ જિલ્લાના છેવાડે, મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ સાપુતારામાં કુદરતી વાતાવરણ અને મનમોહક દ્રશ્યો હોવાના કારણે સાપુતારા ખીલી ઉઠે છે. પણ હાલ દિવાળીની રજાઓમાં કદાચ મંદીના કારણે સાપુતારાની રોનક ખોવાયેલી જણાઈ આવે છે. મંદીની અસર પ્રવાસન વિભાગને પણ અસર કરવા લાગી છે.
હવાખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. પ્રવાસીઓ પોતાની માનસીક શાંતિ માટે સાપુતારા જેવી શાંત જગ્યાએ આવવાનું પસંદ કરતાં હોય છે. પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સરકાર દ્વારા જુદા જુદા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મોન્સૂન, સમર અને વિન્ટર ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો યોજીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ હાલ નવરાત્રી બાદ સાપુતારામાં ધીમીધીમે પ્રવાસીઓની સંખ્યા ઓછી થતી જણાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં મંદીના માહોલના કારણે પ્રવાસન વિભાગ પણ બાકાત રહ્યું નથી, ત્યારે સાપુતારા જેવા હિલ સ્ટેશન પર લોકોને આકર્ષિત કરવા, સાપુતારાના વિકાસકીય કામો પણ જરૂરી બન્યાં છે. સાપુતારામાં જુદા જુદા ફેસ્ટિવલ જેવા વિવિધ ઉત્સવો થકી સરકારને પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મળી છે. જ્યારે આ પ્રવાસીઓને પકડી રાખવાના પ્રયત્નો સદંતર નિષ્ફળ રહ્યા છે.