ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં હાલ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. 12 ઓગસ્ટથી ચાલુ થયેલ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આ સાથે જ જન્માષ્ટમીની રજાઓ ચાલતી હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે.
ચોમાસાની ઋતુમાં સાપુતારાનું વાતાવરણ રમણીય બની જાય છે. ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે. વરસાદી સીઝનમાં ઠંડકમય વાતાવરણ હોવાના કારણે પણ પ્રવાસીઓ સાપુતારા આવવાનું પસંદ કરે છે. મોન્સૂન ફેસ્ટિવલમાં આદિવાસી સંસ્કૃતિના કાર્યક્રમો, ટ્રેકિંગ, આદિવાસી નાચ, સ્ટ્રીટ મેજીક શો, એડવેન્ચર એક્ટિવિટી વગેરે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ સિવાય પણ ઇકો પોઈન્ટ, નાગેશ્વર મહાદેવ મંદિર, રોઝ ગાર્ડન, સાપુતારાનું સર્પગંગા તળાવ, આદિવાસી મ્યુઝિયમ, સનસેટ પોઈન્ટ, વગેરે જગ્યાએ પણ જોવાલાયક સ્થળો છે.
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલને ધ્યાનમાં રાખી સાપુતારા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ફેસ્ટિવલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત- મહારાષ્ટ્ર બોર્ડર ચેકપોસ્ટ પર 24 કલાક સંઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પ્રવાસીઓને પાર્કિંગની સમસ્યા નડે નહિં તે માટે પોલીસ દ્વારા ટ્રાફિકના કડક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. મોન્સૂન ફેસ્ટિવલને માણવા માટે સુરત, મુંબઈથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.