- ડાંગના સાપુતારામાં એક મહિલા સહિત 2 યુવકોની ધરપકડ
- 7 નવેમ્બરના રોજ અજાણ્યા ઇસમનો મળી આવ્યો હતો મૃતદેહ
- ગુનાહિત પ્રવૃતિઓ થવા નહીં દઈએઃ ડાંગ જિલ્લા પોલીસ વડા
ડાંગઃ રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં 7 નવેમ્બરના રોજ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ બાદ જણવા મળ્યુ હતુ કે, તે મૃતદેહ સુરત ખાતે ભાડે કાર ચલાવતા ઇસમનો હતો. જેની હત્યા કરીને સાપુતારા સનરાઈઝ પોઇન્ટ ઉપર ગળે દોરી બાંધીને લટકાવી દેવામાં આવ્યો હતો. આ પરથી આરોપી એવુ સાબિત કરવા માગતા હતા કે, યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આહવા પોલીસે આ મામલે તપાસ કરી હતી અને હત્યાના ગુનામાં સંડોવાયેલા 1 મહિલા સહિત 2 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.
ગિરિમથક સાપુતારા ખાતેનાં સનરાઈઝ પોઈન્ટ પર 7 નવેમ્બરે અજાણ્યા ઇસમનો મૃતદેહ ગળેફાંસો ખાધેલ હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલો હતો. આ કેસમાં આહવા જિલ્લા પોલીસ દ્વારા લૂંટનાં ઇરાદે ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હોવાની શંકાના આધારે 2 નાયબ પોલીસ અધિક્ષક અને 1 લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી મળી કુલ ત્રણ ટિમ બનાવી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ મૃતકની ઓળખ કરી જેમાં મૃતક લક્ષ્મણ વસાવા સુરતના ઉમરપાડા તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું, મૃતકના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દીકરાની ગુમ થયાની નોંધાવેલી ફરિયાદના આધારે અધિકારીને કડી મળી હતી.