ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોના ગામડાઓનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે. ડાંગ જિલ્લામાં જૂન મહિનાના પ્રારંભથી જ વિધિવત રીતે વરસાદી માહોલ જામતા અહીની પ્રકૃતિ પાણીમય બની તરીતૃપ્ત બની છે.
ડાંગ જિલ્લાના વહીવટીમથક આહવા,બોરખલ,ચીંચલી,પીપલાઈદેવી,લવચાલી,સુબીર, સિંગાણા,બરડીપાડા,કાલીબેલ,ભેંસકાતરી,ઝાવડા, સાકરપાતળ,શામગહાન,માંળુગા,ગલકુંડ, સાપુતારા સહિત સરહદીય તેમજ પૂર્વપટ્ટીના ગામડાઓમાં રવિવારે રાત્રીના અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જે બાદ સર્વત્ર પાણી પાણીના નીર રેલાયા હતા,રવિવારે રાત્રીના અરસામાં ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદના પગલે લોકમાતાઓમાં અંબિકા,ગીરા,પૂર્ણા અને ખાપરી નદીમાં નવા નીર વહેતા થયા હતા. તો આ સાથે ડાંગ પંથકના નાળા, ચેકડેમો,વહેળા,તેમજ ઝરણાઓ પણ છલોછલ પાણીથી ઉભરાતા સમગ્ર દ્રશ્યો રમણીય બન્યા હતા.
ડાંગ જિલ્લામાં સતત 15 દિવસથી જામી રહેલા વરસાદી માહોલના પગલે વનસંપદા પણ લીલીછમ બની સાદ પાડી રહી છે.ડાંગ જિલ્લામાં હાલના તબક્કે ચોમાસાની ૠતુના વરસાદી મહેરે વિધિવત રીતે વરસવાનું ચાલુ રાખતા ડાંગી ખેડૂતો ખેતીના કામોમાં જોતરાઈ ગયા છે.ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં સોમવારે સાંજે 4 વાગ્યા સુધીમાં હળવો તેમજ ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં વરસાદી મહોલની સાથે ધૂમમ્સીયું વાતાવરણ છવાઈ રહેતા ફરવા આવતા પ્રવાસીઓને મોજ પડી જવા પામી છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના 22 કલાક દરમિયાન આહવામાં 62 મિમી અર્થાત 2.5 ઇંચ,સુબીરમાં 24 મિમી અર્થાત 1 ઈંચ,સાપુતારામાં 41 મિમી અર્થાત 1.6 ઈંચ, જ્યારે વઘઇ પંથકમાં સૌથી ઓછો 1 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.