ડાંગ : ડાંગ ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાય છે. અહીં રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. ત્યારે ગત અઠવાડિયાથી જિલ્લામાં ચોમાસુ બેઠું છે. જેનાં કારણે જિલ્લામાં દરેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચીંચલી- ખાતળ ગામમાંથી પસાર થતી પૂર્ણાં નદી, પીપરી ગામમાંથી પસાર થતી ખાપરી નદી, ગીરમાળ ગામમાંથી પસાર થતી ગીરા નદી અને સાપુતારાના તળેટીય વિસ્તારમાં અંબિકા નદી આ ચારેય નદીઓ ગાંડીતુર બની બન્ને કાંઠે વહેવા લાગી છે.
ડાંગ જિલ્લામાં વરસાદના કારણે ડુંગરો લીલાંછમ બની ગયા છે. આ સાથે જ ડુંગરો અને કોતરોમાંથી નાના ઝરણાઓ ફૂટી નીકળ્યાં છે. કુદરત જાણે મહેરબાન હોય તેમ ડાંગ જિલ્લામાં ચોમાસાં દરમિયાન રમણીય વાતાવરણ બની જતું હોય છે. હાલ ચોમાસુ પણ તેના અસલ મિજાજમાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અંબિકા નદી ઉપર આવેલ વઘઇ નજીકનો ગીરાધોધ ખૂબ જ રમણીય બની જવા પામ્યો છે. ગીરાધોધ જે નાયગ્રા ધોધ તરીકે પણ પ્રખ્યાત છે. આ ધોધ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ ધોધ ઉપર જવા માટે પર્યટકોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.