- હાર્દિક પટેલ ડાંગના પ્રવાસે
- સુબિરમાં યોજી જાહેર સભા
- રૂપાણી સરકાર પર આકરા પ્રહાર
ડાંગ : વિધાનસભાની પેટા ચૂંટણીમાં ડાંગ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવિતના સમર્થનમાં સુબિર ખાતે કોંગ્રેસ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની આગેવાની હાર્દિક પટેલે કરી હતી. આ જાહેરસભામાં આદિવાસી સમાજના 6 કોંગ્રેસી ધારાસભ્યો પણ જોડાયા હતા.
સોમવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોજી હતી જાહેર સભા
આગામી 3 નવેમ્બરનાં રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારકો ગુજરાતની આઠેય બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં મતદારોને રિઝવવા સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં ભાજપની જાહેર સભા યોજાઈ હતી.
સુબિર ખાતે હાર્દિક પટેલની આગેવાનીમાં જાહેર સભાનું આયોજન
મંગળવારના રોજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની આગેવાનીમાં સુબિર ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ જાહેર સભામાં સંબોધન કરતા દરેક નેતાઓએ જળ, જંગલ અને જમીનના મુદ્દે સરકાર આદિવાસીઓ વિરોધી હોવાનું જણાવી કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવિતને જીત અપાવવા હાંકલ હતી.
કોંગ્રેસ વર્ષોથી આદિવાસીના પ્રશ્નો માટે લડી રહી છે
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી વર્ષોથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડી રહી છે. વિજય રૂપાણીની સરકાર હોવા છતાં જળ, જંગલ અને જમીનના અધિકારોને સુનિશ્ચિત કરવાનું કામ એમને નથી કર્યું. આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજના જેટલા પણ અધિકારો બચ્યા છે, તેનું જતન કરવાનું કામ કરશે. ગુજરાતની અંદર ચૂંટણી આવશે અને જશે પણ જનતાના અધિકારોનું જતન જરૂરી છે.