- પાંચ રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું
- હોળી તહેવાર પહેલાં દરબાર ભરીને રાજાઓને કરાઈ છે સન્માનિત
- કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો
ડાંગઃ જિલ્લાના પાંચ રાજાઓને અંગ્રેજોના સમયકાળથી પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. હોળી તહેવાર પહેલાં દરબાર ભરીને રાજાઓને સન્માનિત કરવામાં આવે છે, જોકે, હાલ કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાના કેહેરનો ભોગ બનેલા ઐતિહાસિક "ડાંગ દરબાર"નો ભાતીગળ લોકમેળો અને ચાર દિવસીય ચાલતા રંગારંગ કાર્યક્રમ ઉપર ભલે કોરોનાનો ડોળો ફરી વળ્યો હોય. પરંતુ પ્રત્યેક ડાંગીજનની નસ નસમા વ્યાપ્ત "ડાંગ દરબાર"ની તારીખ અને તવારીખ ઉપર નજર કરતા આજનો આ ડાંગ દરબાર કદાચ સાંપ્રત લેખાશે.

દરબાર ભરીને બ્રિટિશ હુકુમત તરફથી રાજાઓનું સન્માન કરવામાં આવતું હતું
ઈ.સ.1842 સુધી ડાંગમા ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે એટલે કે સને 1842મા ડાંગના જંગલના પટા બ્રિટીશરોએ મેળવ્યાં હતા. આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા હતા. જેના બદલામા ભીલ રાજાઓને કેટલાક આબકારી હક્કો, હળપટ્ટીના રૂપમા જમીન મહેસુલ, પશુધન માટે ઘાસચારની તથા બીજી પેશ્વાઈ ભથ્થાની વાર્ષિક રકમ બ્રિટિશરો તરફથી રાજાઓને મળતી હતી. આ અછળી રકમ, દર વર્ષે રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને ડાંગી પ્રજાજનોનો "દરબાર' ભરીને બ્રિટિશ હુકુમત તરફથી આપવામા આવતી હતી.

આ પણ વાંચોઃ ડાંગનાં રાજાઓની પરિસ્થિતિ પ્રજા કરતાં પણ દયનિય, જુઓ વિશેષ અહેવાલ...
અંગ્રેજોના સમયથી રાજાઓને સન્માનિત કરવાની પ્રથા આજેપણ કાયમ
આ "દરબાર" યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય હેતું ડાંગી રાજાઓ, નાયકો, ભાઉબંધો અને તેમની પ્રજા એક જ છત્ર નીચે એકત્ર થાય, અને બ્રિટિશ સત્તા માટે તેમના મનમા સદ્ભાવના અને વ્યવહારભાવના કેળવાય તે હતો. એક સદી પહેલા "દરબાર"ના પ્રસંગો ખુબ જ વિશિષ્ઠ રીતે ઉજવાતા. રંગબેરંગી પોશાકોમા સજ્જ રાજવી પરિવાર, ભાઉબંધો, નાયકો બેથી ત્રણ દિવસો સુધી અહી પડાવ રાખીને રહેતા, અને મેળામા મ્હાલતા. બ્રિટિશ પોલીટીકલ એજન્ટના હાથે સાલિયાણુ મેળવવુ એ ઘણુ માનભર્યું સમજતા હતા. ઈ.સ. 1876/77મા રાણી વિક્ટોરિયાનો ભારતના મહારાણી તરીકે રાજ્યાભિષેક થયો, તે વખતે ધૂળિયા (હાલનુ મહારાષ્ટ્ર) મા દરબાર યોજાયો હતો. ત્યારપછી પીપળનેર, પીપ્લાઈદેવી, અને શિરવાડામા પણ દરબાર યોજવાનો ઉલ્લેખ જોવા મળે છે. સને 1900ના મે માસમા વઘઈ ખાતે પણ દરબાર યોજાયો હતો. આ દરબારમાં રાજવીઓને શિરપાવ અપાતો હતો. નાયકો, ભાઉબંધો અને પોલીસ પટેલોને પણ જંગલમા લાગતી આગ નિવારણની કામગીરી સાથે બીજા સારા કામો માટે બક્ષીસો અપાતી હતી.

કલેક્ટર કચેરીમાં રાજાઓને સન્માનિત કરવામાં આવ્યાં
આ ડાંગ દરબારને કોરોના કાળમાં ટૂંકાવવા વહીવટી તંત્રની ફરજ પડી છે. આજે બુધવારે કલેક્ટર કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ડાંગ દરબાર યોજાયો હતો. ગત વર્ષથી કોરોના મહામારી દેશમાં ફેલાતા ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારોહમાં પ્રતિવર્ષ પધારતા રાજ્યપાલ આવી શક્યા ન હતા. માત્ર પ્રભારી મંત્રીના હસ્તે કોરોનાની દહેશત વચ્ચે સમારોહ આયોજિત કરાયો હતો. જિલ્લામાં ભાતીગળ લોકમેળો રદ થવા સાથે પોલીટીકલ પેન્શન પણ કલેક્ટરની ચેમ્બરમા ખુબ જ સાદગીપૂર્ણ રીતે અર્પણ કરાયું હતું. પહેલા રાજાઓ નારાજ હતા જોકે, કોરોના સંક્રમણને જોતા રાજાઓ પણ આ સાદગી પૂર્ણ સન્માનથી સનતુષ્ટ છે. રાજાઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને આજના પ્રસંગના અધ્યક્ષ મંગળ ગાવીતનું ડાંગી સાફો પહેરાવી આભાર માન્યો હતો.