ડાંગ: જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા સુબીર તાલુકાનાં પિપલદહાડ, શેપુઆંબા, કિરલી, પીપલાઈદેવી, ચીંચવિહીર અને ખાંબલા ગ્રૃપ ગ્રામ પંચાયતનાં તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોનાં કુલ 40 થી 50 ગામડાઓમાં છેલ્લા 5 દિવસમાં રાત્રી દરમિયાન ફક્ત ત્રણ દિવસ માટે વિજળી કાર્યરત હતી. ત્યારબાદ, આ વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે.
હાલ ડાંગ જિલ્લામાં વરસાદ ઓછા પ્રમાણમાં વરસી રહ્યો છે. તેમ છતાં લોકોને વારંવાર વિજળી સમસ્યાને કારણે અંધારામાં રહેવાની નોબત ઉભી થઇ છે. વિજળી સમસ્યાને કારણે આ વિસ્તારના લોકોને ઓનલાઇન કામ, પંચાયતના કામ વગેરે માટે દુર આહવા તાલુકામાં જવુ પડતુ હોય છે. વર્ષો પહેલા ડાંગનાં મુખ્ય મથક આહવાથી વિજળી સ્પલાય કરવામાં આવતી હતી. ત્યારબાદ સુબીર તાલુકા મથકે વીજ પાવર સ્ટેશન બનાવવામા આવ્યુ છે. તેમ છતાં લોકોને વિજળી સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
સુબીર તાલુકાનાં સ્થાનિક વિસ્તારનાં લોકો દ્વારા વારંવાર GEBની કચેરીમાં મૌખિક રજુઆત કરવા છતાં પણ લોકોનાં પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. હાલમાં દરેક ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી પહોંચાડવામાં આવી રહી છે. તેમ છતા સુબીર તાલુકાનાં વીજ કંપનીનાં ધાંધિયાનાં પગલે ગ્રામ્ય વિસ્તારનાં લોકોને અંધારામાં રહેવુ પડે છે. જે બાબતે તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યુ છે.
વીજળી સમસ્યા બાબતે ડાંગ જિલ્લા જીઈબીનાં જુનિયર એન્જિનિયર મેહુલભાઈ જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, સુબીર તાલુકાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલનાં પગલે ક્યાંક ઝાડ પડી જવાથી અથવા વિજતાર ડેમેજ અથવા તૂટી જવાનાં પગલે વીજળીની સમસ્યા સર્જાઈ હતી.બાકી દરરોજ જી.ઈ.બીનાં કર્મચારીઓ દ્વારા દરેક વિસ્તારની મુલાકાત લઈ વીજળીનો પુરવઠો ચકાસણી કરી કાર્યરત કરાય જ છે. તેમ જણાવાયુ હતું.