- ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરે
- ડાંગ જિલ્લા કલેક્ટરે ત્રણ દિવસ ડ્રાય ડે જાહેર કર્યા
- 1થી 3 નવેમ્બર ડાંગમાં રહેશે ડ્રાય ડે
ડાંગઃ ભારતના નિર્વાચન આયોગ દ્વારા આ અંગે જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમા યોજાય તથા સમગ્ર જિલ્લામા જાહેર સુલેહ અને શાંતિ ન જોખમાય તે માટે કેટલાક નિયંત્રણો મુકવામા આવ્યા છે. જે મુજબ ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમા મતદાનનો સમય પૂરો થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાકના સમય માટે એટલે કે 1 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી 3 નવેમ્બરે સાંજના 6 વાગ્યા સુધીના સમયને ડ્રાય ડે તરીકે જાહેર કરવામા આવ્યો છે. મત ગણતરીનો દિવસ એટલે કે 10 નવેમ્બરનો દિવસ (આખો દિવસ) જેમાં ફેર મતદાન (જો થાય તો) નો દિવસ પણ આવરી લેવામાં આવ્યો છે.
હુકમનો ભંગ કરનારને 6 માસની સજા અને રૂપિયા 2 હજારનો દંડ થશે
આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(સી) હેઠળ કસૂરવાર જણાય તો 6 માસની સજા તથા રૂપિયા 2 હજારનો દંડ અથવા સજા અને દંડ બંને પાત્ર ઠરશે. આ પ્રતિબંધ 1 નવેમ્બરના સાંજે 6 વાગ્યાથી 3 નવેમ્બર સાંજે 6 વાગ્યા સુધી (48 કલાક) અને 10 નવેમ્બરનો દિવસ (આખો દિવસ) જેમા ફેર મતદાન (જો થાય તો) ના દિવસ સુધી અમલમાં રહેશે.