- સાપુતારા, આહવા અને વઘઇમાં વરસાદ
- વરસાદની આગાહીના કારણે ખેડૂતોને દવાઓનો છંટકાવ નહિ કરવા સૂચન
- વરસાદ વરસી જતાં ખેડૂતો ચિંતાતુર બન્યાં
ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં આજ રોજ બપોરના વાદળછાયા વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદ વરસી જતાં ખેડૂતો ચિંતાતુર બન્યાં હતા. હાલમાં ઠંડીનું વાતાવરણ ઓછું થયું છે. પરંતુ છેલ્લા બે દિવસથી ધૂમ્મસમય વાતાવરણનાં કારણે સવારના સમયમાં ઠંડકમય વાતાવરણ રહ્યું હતું. આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતાં સાપુતારાનાં તળેટીય વિસ્તાર અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમા આચનક ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી ગયો હતો. 1 કલાક સુધી વરસેલા વરસાદનાં કારણે જમીનની ભીની માટીની સુગંધ ફેલાઈ હતી.
ખેડૂતોને દવાઓનો છંટકાવ નહિ કરવા સૂચન
વઘઇ કૃષિ યુનિવર્સિટીનાં હવામાનશાસ્ત્રનાં નિષ્ણાત એસ.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગમી પાંચ દિવસ સુધી આકાશ આંશિક વાદળછાયું રહેશે અને ડાંગ જિલ્લામાં તારીખ 19 ફેબ્રુઆરીના રોજ છૂટાં છવાયા વરસાદ પડવાની આગાહી છે. જેથી આ દિવસોમાં ખેડૂતો એ દવાનો છંટકાવ ટાળવો.
સાપુતારા, આહવા અને વઘઇ વિસ્તારમાં વરસાદી માહોલ
આજે ગુરુવારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં થોડાંક સમય માટે ગાજવીજ સાથે આહવા, વઘઇ સહિત ગિરિમથક સાપુતારા તેમજ મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા માનમોડી, નિમ્બારપાડા, માળુંગા, કાંચનપાડા ગામમાં વરસાદ વરસી ગયો હતો. આ વિસ્તારોમા રવિ પાક કરનારા ખેડૂતો ચિંતાતુર બન્યાં હતા. ડાંગ જિલ્લામાં આ વર્ષે સમયાંતરે કમોસમી માવઠાનાં કારણે ડાંગી ભોજન કહી શકાય એવા અડદનાં પાકને ભારે નુકસાન થયું છે.