ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.
ગુરુવારે આહવા અને વઘઇ તાલુકામાં કુલ સાત જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ડાંગ જિલ્લાના ચિકટીયા, ઇસદર, ટોકરદહાડ, ગાઢવી, કોષમાળ, લિંગા અને ખીરમાણી ગામમાં સાત જેટલા નવા કેસો સામે આવવા પામ્યા છે. આ તમામ ગામડાઓનાં શ્રમિક પુરુષોનાં કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું હતું.
વહીવટી તંત્રની ટીમ દ્વારા આ તમામ ગામડાઓમાં પોઝિટિવ વ્યક્તિઓના રહેણાંક વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ બફરઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત વધુ નવા સાત કેસો સામે આવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 50 થયો છે. ડાંગ જિલ્લામાં હાલ 18 એક્ટીવ કેસ છે. જે તમામ કેસને આહવા સિવિલનાં કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.જિલ્લામાં અત્યાર સુધી 32 દર્દીઓ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી છે.