ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને 100 ટકા ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ડાંગના ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે. ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા ખેડૂતો માટે અવારનવાર શિબિર અને તાલીમ યોજવામાં આવે છે. જેના થકી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી આધુનિકતા તરફ વળ્યાં છે. તેવી જ રીતના ડાંગ જિલ્લાના યુવા ખેડૂત સચિનભાઇએ પોતાના ગામમાં સૌ પ્રથમ કેન્સર ટ્રી વાવીને નવી ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે.
કેન્સર ટ્રીના ખેતીની શરૂઆત વિશે સચિનભાઈ જોડે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ડાંગ દરબાર મેળામાં ગ્રીન ગો સંસ્થા જોડેથી કેન્સર ટ્રીનો આઈડિયા આવ્યો. ત્યારબાદ ઈન્ટરનેટ પર વધુ માહિતી મેળવી તેઓએ સંસ્થાનો કોન્ટેક્ટ કરી ખેતીની શરૂઆત કરી. ગ્રીન ગો સંસ્થા જે ખેડૂતોને ડોર ટૂ ડોર જઈ લાંબા ગાળા માટે આર્થિક ખેતી કરી શકાય તે માટે પ્રોત્સાહિત કરે છે. સચિનભાઈએ સંસ્થાના સાથ થકી બે એકર જમીનમાં કેન્સર ટ્રી વાવ્યા. હાલમાં ગ્રીન ગો સંસ્થા સચિનભાઈના કેન્સર ટ્રી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જે છોડ વાવવાથી લઈ પ્રોડક્શન સુધીની જવાબદારી નિભાવશે.
શું છે કેન્સર ટ્રી ?
કેન્સર ટ્રી ની શોધ અમેરિકામાં થઈ હતી. આ છોડ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. કેન્સર ટ્રી 100 ટકા કેન્સરના રોગનું નિદાન આપે છે માટે તેને કેન્સર કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્સર ટ્રી ના ફળને લક્ષમણ ફળ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌ પ્રથમ કેરળ રાજ્યમાં કેન્સર ટ્રીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં હાલ સોર્સપ કંપનીનું પ્રોડક્શન ચાલું છે. માર્કેટમાં કેન્સરના રોગ મટાડવા વિશે સંશોધન ચાલું છે.
આ રીતે થાય છે કેન્સર ટ્રી ની ખેતી
કેન્સર ટ્રી ની ખેતી લાંબાગાળા સુધી ફાયદાકારક નીવડે છે. કેન્સર ટ્રી કોઈ પણ જમીનમાં કરી શકાય છે. પણ ભેજવાળી જગ્યા કરતાં ગોરાડું જમીન બેસ્ટ કહી શકાય. કારણ શરૂઆતમાં એક વર્ષ સુધી છોડને પાણી અને ખાતર દ્વારા ખાસ જાળવણી કરવી પડે છે. ત્યાર બાદ ઓછા પાણી દ્વારા પણ છોડની માવજત થઈ શકે છે. માટે જ્યાં પાણી ઓછું હોય તેવી જગ્યાએ પણ ખેતી થઈ શકે છે. શરૂઆતમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જરૂરી છે. જેના કારણે ભેજનું પ્રમાણ વધતાં છોડનો ગ્રોથ વધી શકે છે. એક એકર જમીનમાં ચાર બાય દસના ગાળા પ્રમાણે છોડ વાવી શકાય છે. છોડ વાવ્યા બાદ 8 થી 9 માસ બાદ તેનું પ્રોડક્શન ચાલું થાય છે. ખેતી કરતી વખતે છોડને ઓર્ગેનીક પદ્ધતિથી દ્વારા જ માવજત કરવામાં આવે જેથી છોડની ગુણવત્તા જળવાઈ રહે.
કેન્સર ટ્રી ના ફાયદા
કેન્સર ટ્રીના પાંદડાં થી લઈ ફળ પણ ખૂબ જ ઉપયોગી છે. જે કેન્સરના સેલ પર સીધા અસર કરે છે. કેન્સર ટ્રીના લીલા પાંદડાઓનો ઉકાળો લઈ શકાય છે. જ્યારે સૂકા પાંદડાઓમાંથી પાવડર અને કેપ્સુલ બનાવવા આવે છે. કેન્સર ટ્રીના ફળનું જ્યુસ બનાવવામાં આવે છે. કેન્સર ટ્રી શરીરમાં એનર્જી મેળવવા, શરીરનો દુઃખાવો દૂર કરવા ,સોજા મટાડવા આ ઉપરાંત શરીરનું મેદસ્વીપણું દૂર કરવા માટે કેન્સર ટ્રી ના પાંદડાઓ અને ફળનો ઉપયોગ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જેવા અંતરીયાળ વિસ્તારના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યાં છે અને નવા સંશોધન થકી નવી ખેતી પદ્ધતિઓ અપનાવી રહ્યાં છે. ડાંગ જિલ્લામાં ઓર્ગેનિક ખેતી કરીને ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થઈ શકે તે માટે સચિનભાઈએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેન્સર ટ્રીના પાંદડાંઓથી માંડીને તેના ફળ પણ ખૂબ જ ઉપયોગી છે અને લાંબા ગાળા માટે તે ફાયદાકારક સાબિત થશે.