- આહવા પંથકમાં ભારે વરસાદ
- 42 વર્ષીય વ્યક્તિ પર વીજળી પડતા મોત
ડાંગ: વહીવટી મથક આહવા પંથકમાં ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા બે દિવસથી પાછોતરા વરસાદે માઝા મૂકતા ડાંગી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
પાકને જંગી નુકસાન
આહવા તેમજ સરહદીય ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડતા ડાંગર, અડદ સહીતના પાકને જંગી નુકસાન થયું છે. મંગળવારે ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા, બોરખલ સહિત સરહદીય પંથકનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા થતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. જ્યારે સાપુતારા સહિત સુબીર પંથકના ગામડાઓમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.
નાંદનપેડા ગામમાં વીજળી પડતા યુવાનનું મોત
આહવાને અડીને આવેલા નાંદનપેડા ગામમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નાંદનપેડા ગામનો 42 વર્ષીય યુવાન કરીમભાઈ સોહિલભાઈ ખેતરનું કામકાજ પતાવીને ઘરે તેમના દરવાજા પાસે ઉભા રહી ફોન પર વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન આ વ્યક્તિ પર વીજળી પડતા તે દરવાજા પર જ ઢળી પડ્યો હતો. જ્યાંથી આ વ્યક્તિને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડૉક્ટરે આ વ્યક્તિને મૃત જાહેર કરતા આહવા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.