ડાંગઃ કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના પગલે PM મોદીએ 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કર્યો છે. ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં લોકો દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. માનમોડી ગામનાં જાગૃત નાગરિકો દ્વારા ગામની ચારેતરફના રસ્તાઓ બ્લોક કરી દીધાં છે. જેના કારણે અન્ય લોકો આવી શકે નહીં અને ગામના લોકો પણ બહાર જઈ શકે નહીં. કોરોના વાઈરસના પગલે ડાંગના 7 એન્ટ્રી રોડ પર અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવનાર લોકોનું સ્ક્રિનીંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
આ અંતર્ગતમાં માળુંગા ગામ જે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર નજીક આવેલું ગામ છે. અહીં બુધવારે ડાંગથી મહારાષ્ટ્રમાં મજૂરી કામ અર્થે ગયેલા 176 લોકોની સાથે 37 વહાનો જ્યારે રાત્રી દરમિયાન 178 લોકો અને 24 વહાનો ડાંગમાં આવ્યાં હતાં. અહીં ચેકપોસ્ટ પર પોલીસની ટીમ અને આરોગ્ય વિભાગની ટિમ દ્વારા આવનારા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. લગભગ 4 જેટલાં લોકોને સામાન્ય બીમારી જણાતાં તેઓને નજીકની PHC હોસ્પિટલ શામગહાનમાં મોકલવામાં આવ્યાં હતાં. તેમજ મહારાષ્ટ્ર બોર્ડરને અલાડીને આવે સાપુતારામાં પણ સંઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લોએ મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર આવેલો હોવાથી બોર્ડર નજીકનાં લોકો રોજીરોટી મેળવવા માટે મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં જતાં હોય છે. હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસનાં વધુ કેસો નોંધાતાં, લોકડાઉનના લીધે ડાંગના લોકો પોતાના વતન પરત ફર્યા છે.
મહારાષ્ટ્રમાંથી આવેલા લોકોનાં લીધે અન્ય લોકોમાં આ રોગ ન ફેલાય અને તે ઉપરાંત લોકડાઉનનો ચુસ્તપણે પાલન થાય તે હેતુથી માનમોડી ગામનાં યુવાનોએ રસ્તાઓને બ્લોક કર્યા છે. અન્ય ગામડાઓમાં પણ લોકોએ ગામનાં રસ્તાઓ બંધ કરી દીધાં છે. ગામનાં અગ્રણીઓ દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે.