ડાંગઃ જિલ્લામાં આદિવાસીઓનું જીવન સહિત પશુઓ તેમજ જંગલી પ્રાણીઓની ઉનાળાની ઋતુમાં તરસ બુઝાવી રહે તે હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચેકડેમો, કૂવા, તળાવ, પાઇપલાઇન સહિત ભૂગર્ભ ટાંકીના નવ નિર્માણ પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે, પરંતુ વર્ષોથી વિકાસના નામે માત્ર પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત અધિકારીઓ અને ઈજારાદારોના પાપે ડાંગ જિલ્લાના મોટાભાગના ચેકડેમો ખરાબ થઈ ગયા છે. જેના કારણે ડાંગ જિલ્લાના લોકો સહિત અબોલ પશુઓની ઉનાળાની ઋતુ દરમિયાન પાણી માટે દરબદર ભટકવાની નોબત ઊભી થઈ છે.
ડાંગના સામગહાનથી દબાસ માર્ગ ઉપર ખાપરી નદીને જોડતા કોતરડા ઉપર આજથી દસેક વર્ષ અગાઉ નિર્માણ પામેલા ચેકડેમમાં મસમોટું ગાબડું પડતાં વિકાસ ગાડો થયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. આ ચેકડેમમાં જે તે સમયે અધિકારીઓની મિલીભગતમાં માસ ક્રોકરીટ, કપચી, રેતી અને સ્ટીલ વાપરવાની જગ્યાએ ઇજારદારે માત્રને માત્ર મોટા પથ્થરોનો જ ઉપયોગ કરી નકરો ભ્રષ્ટાચાર જ આચર્યો હોવાનું સ્થળનું નિરીક્ષણ કરતા જણાઈ રહ્યું છે.
આ ચેકડેમમાં સંગ્રહ થયેલ આ પાણીનો ઉપયોગ સ્થાનિક લોકો સહિત તરસ્યા પશુઓ માટે ઉપયોગી સાબિત થાય તેમ છે, પરંતુ તંત્રના ઓરમાયા વલણમાં અધિકારીઓએ આ ગાબડું પૂરવાની તસ્દી જ નહીં લેતા ચેકડેમમાં સંગ્રહ થયેલું પાણી ધીમે ધીમે નકામાં વહી જઈ વેડફાઇ રહ્યું છે. તેવામાં આ ચેકડેમનું ગાબડું જો થોડા દિવસમાં પુરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ ચેકડેમ પણ પાણી વગર કોરોકાટ બની જશે તે જેમાં બેમત નથી.