લહાન ચર્યા ગામનાં પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થી અને કાબરની મિત્રતા
વિદ્યાર્થીનાં ઘરે નાનપણથી કાબર આવતી હોવાથી બન્ને વચ્ચે મિત્રતા બંધાય
ગામ અને શાળામાં કાબર દરેક લોકો જોડે કરે છે વાતો
ડાંગઃ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ લહાન ચર્યા ગામની માધ્યમિક શાળામાં બોલતી કાબરનાં કારણે કુતુહલ સર્જ્યું છે. કાબર બોલે તે સૌ કોઈને નવાઈ લાગે પરંતુ લહાનચર્યા ગામે વસવાટ કરતી શરૂ નામની કાબર બોલે છે. ગામનાં દરેક લોકો જોડે વાતો કરે છે ખાસ કરીને નાના બાળકો અને શાળાના વિદ્યાર્થીઓ જોડે આ કાબર મિત્રની જેમ વાતો કરે છે.
પ્રકૃતિ પ્રેમી વિદ્યાર્થીના ઘર સાથે કાબરનો નાનપણથી સબંધ
લહાન ચર્યા ગામે આવેલી અજિત જોડે આ કાબરના નાનપણથી સંબધ છે. કાબર જ્યારે નાની હતી ત્યારથી અજિતની મિત્ર બની ગઈ છે. અજિત અને આ કાબર વચ્ચે મિત્રતાના સંબંધો બંધાયા છે. અજિતે કાબરનું નામ શરૂ રાખ્યું છે. કાબરને ડાંગની સ્થાનિક ભાષામાં શાળોકી તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં લહાનચર્યા ગામના લોકો શરૂ તરીકે ઓળખાવે છે. અજિત એકલતામાં આ કાબર જોડે અલકમલકની વાતો કરતો હોય છે અને કાબર પણ જાણે પોતાના સુખદુઃખની વાતો કરતી હોય એમ આ વિદ્યાર્થી જોડે ભળી જઇ વાતો કરવા લાગે છે. અજિતના ઘરે રોજ સવાર અને સાંજના સમયે કાબર દાણા ચણવા માટે આવતી હોય છે. અજિતનો પરિવાર પણ આ કાબરને પોતાના પરિવારનો જ સભ્ય ગણીને તેની દેખરેખ રાખે છે.
માધ્યમિક શાળામાં બાળકો જોડે કાબર પણ જાય છે શાળાએ
લોકડાઉન હળવુ થયા બાદ ધોરણ 10 અને 12ના વર્ગો ચાલુ કરવામા આવ્યા છે. ત્યારે શાળામાં જતાં બાળકો સાથે આ કાબર પણ વર્ગખંડમાં બેસતી હોય છે. અહીં પ્રકૃતિ પ્રેમી શાળાના બાળકો અને શિક્ષકો પણ કાબરને આવકારે છે. કાબર ચાલુ વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓ જોડે આવી જતી હોય છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી શાળાના બાળકો અને શિક્ષકોનો આ કાબર જોડે સુમેળભર્યો સંબધ બંધાયો છે. જેનાં કારણે શાળામાં આવતી કાબર પણ કોઈ ખલેલ પહોંચાડયા વિના પોતાની મેળે આવ જા કરતી હોય છે. શાળાનાં કર્મચારી સોમાભાઈ જણાવે છે કે, નાનપણથી ગામના એક મિત્ર દ્વારા આ કાબરની દેખરેખ રાખવામાં આવી રહી છે. જે બાદ આ કાબરના માણસ જોડે સારા સંબંધો બંધાતા આ કાબર તેઓની મિત્ર બની ગઈ છે. આ કાબર જાણે માણસની જેમ બોલતી હોય તેમ દરેક વસ્તુઓ વિશે બોલે છે. એને કાઈ જોઈતું હોય તો એ પણ તેઓને જણાવે છે.
લહાન ચર્યા ગામે સૌને ગમતી કાબર
લહાન ચર્યા ગામની શરૂ નામની બોલતી કાબર ગામના દરેક લોકોની મનગમતી કાબર છે. આ કાબર મોટાભાગે સવારના સમયે અજિતના ઘરે આવતી હોય છે. ત્યારબાદ સવારના 8 થી 10 વાગ્યા સુધી શાળામાં હોય છે. જે બાદ કાબર જંગલ અને ગામમાં ફરે છે. લહાન ચર્યા ગામનાં દરેક લોકોને જાણે આ કાબર જાણતી હોય તેમ દરેકના ઘરે જતી હોય છે. કાબરનું કોઈ ચોક્કસ ઠેકાણું નથી. ખુલ્લા આકાશમાં ઉડતુ આ પક્ષી માનવ જાતિમાં ભળી ગયું છે. જે જંગલ, ગામ અને શાળામાં ફર્યા કરે છે. ગામ લોકો જોડે ખેતરમાં પણ જાય છે. ગામ લોકો દ્વારા આ પક્ષીને કયારેય પકડવામાં નથી આવતું તે પોતાની મરજી મુજબ ગામમાં ફર્યા કરે છે.
ડાંગનાં આદિવાસીઓ પ્રકૃતિ પૂજક
પ્રકૃતિમાં વસનાર ડાંગ જિલ્લાનાં આદિવાસીઓનો પ્રકૃતિ સાથે વર્ષોથી સંબંધ રહ્યો છે. અહીંના આદિવાસીઓ પ્રકૃતિની પૂજા કરતાં હોય છે. તેમનાં પ્રકૃતિ દેવોમાં વાઘ દેવ, સૂર્ય, ચંદ્ર, મોર અને નાગ દેવતાનો સમાવેશ થાય છે. વર્ષોથી પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસીનો પશુ-પક્ષી સાથેનું આ ઉત્તમ ઉદાહરણ છે. લહાન ચર્યા ગામે આવતી કાબરને દરેક ગ્રામજનો દ્વારા પરિવારનો સભ્ય ગણવામાં આવે છે. કાબર મોકળા મને ગામ અને શાળામાં આવી વિદ્યાર્થીઓ જોડે જાય છે. તેમજ ગામનાં નાના બાળકો જોડે ખાસ વાતચીત કરે છે.