ડાંગઃ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન, સવર્ધન કરવાની દિશામાં નવી જાપાનીઝ પદ્ધતિ એવી "મીયાવાંકી" પ્લાન્ટેશન અપનાવીને વન વિસ્તારની ગીચતા વધારવાના પ્રયાસરૂપે શુક્રવારના રોજ આહવા તાલુકાના મહાલપાડા ગામે લાભાર્થી ખેડૂતના ખેતરમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરવામાં આવી રહ્યું છે, તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું.

ઘનિષ્ઠ વન વાવેતર માટે જાપાનમાં ખુબ જ કામયાબ રહેલી પદ્ધતિ અનુસાર લાભાર્થી ખેડૂતની જમીનમાં તેની સંમતીથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરીને, ત્રણ વર્ષ સુધી તેની માવજત કરી મનરેગા અંતર્ગત રોજગારી પૂરી પાડવા સાથે, વન ઉછેરની પ્રવૃત્તિ ડાંગ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તેવો સરકારનો આશય છે. તેમ જણાવી, વઢવાણીયાએ ડાંગ જિલ્લાના આહવા તાલુકા ઉપરાંત વઘઈ, અને સુબીર ખાતે પણ લાભાર્થી પસંદ કરીને વૃક્ષ વાવેતર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જયારે જમીન તૈયાર કરવાથી લઈને વૃક્ષ વાવેતર સુધીના કાર્યમાં અંદાજીત 400 માનવદિન રોજગારી ઉત્પન્ન કરવામાં આવી છે, તેમ જણાવતા નિયામક આર.બી.ચૌધરીએ ત્રણ વર્ષના આખા પ્રોજેક્ટ પાછળ અંદાજીત ત્રણેક લાખનો ખર્ચ સરકાર ભોગવે છે તેમ જણાવ્યું હતું. આ ખર્ચ પૈકી 90 ટકા રકમ મનરેગાના રોજમદારોને મળે છે, જયારે વનની ઉપજ લાભાર્થીને મળે છે તેમ પુરક વિગતો આપતા તેમને ઉમેર્યું હતું.
