ડાંગ: ડાંગ જિલ્લામાં થોડા દિવસ અગાઉ પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. ટામેટા, કાકડી સહિત ડુંગળીનાં પાકોને ભારે નુકસાન થયું છે.
ડાંગ જિલ્લાના સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલા બરડપાણી ગામે વાવાઝોડાની અસર અને માવઠાનાં કારણે ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ જવા પામ્યો છે. ડાંગ જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો હોવાથી સરહદીય વિસ્તારનાં ખેડૂતો મહારાષ્ટ્રનાં બજારમાં વેચાણ માટે જાય છે. ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં એકતરફ લોકડાઉનની અસરનાં કારણે ખેડૂતો પોતાના પાકને વેચાણ માટે મહારાષ્ટ્રમાં લઈ જઈ શક્યા ન હતા. જેના કારણે ચાલુ વર્ષે સ્ટ્રોબેરી જેવા પાકને મોટા પાયે નુકસાન થયુ હતું.
અણધાર્યા વરસાદનાં કારણે ટામેટા, કાકડી અને ડુંગળીનાં પાકને પણ ભારે નુકસાન થયું હતું. આહવા તાલુકાનાં બરડપાણી ગામનાં ખેડૂત વસનભાઈએ જણાવ્યું હતું કે, લોકડાઉનનાં કારણે તેઓના ખેતરમાં રહેલા ઉભા શાકભાજીનાં પાકને તોડી પણ શકતા ન હતા. તેમજ મહારાષ્ટ્રનાં બજારમાં પણ ન લઈ જઈ શક્યા હતા. વાવાઝોડા સાથે વરસી ગયેલ વરસાદનાં કારણે તેમના ખેતરમાં ટામેટા અને કાકડીનાં પાકને જંગી નુકસાન થતા હવે તેમણે પાયમાલ થવાનો વારો આવ્યો છે. આ સાથે જ આ ગામનાં ડુંગળીની ખેતી કરનાર ખેડૂતોએ જણાવ્યું હતું કે, વરસાદનાં કારણે ડુંગળીનો પાક સડી જવા પામ્યો છે. જેનાથી તેઓને લાખોનું નુકસાન થયુ છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં હવે વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે. ત્યારે ગત થોડા દિવસ પહેલા અચાનક થયેલા વરસાદથી ખેડૂતોનો ઉભો પાક પાણીમાં સડી જવાનાં કારણે તેઓને ભારે નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. જેથી બાગાયત વિભાગ આ ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ ઉઠવા પામી છે.