ડાંગ:કોરોનાની ઇફેક્ટમાં ડાંગી જનજીવન ઘરમાં જ પુરાઈને સુરક્ષિત બની બેઠા છે. તેવામાં એકતરફ કોરોનાની મહામારીએ ભય ફેલાવ્યો છે, તો બીજી તરફ ઋતુચક્રનું બદલાતું વાતાવરણ પણ ડાંગી જનજીવનને હચમચાવી રહ્યું છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ હુંબાપાડા અને વઘઇ તાલુકામાં સમાવિષ્ટ નાનીમાંળુગા તથા મોટા માંળુગા,હનવતપાડા સહિતના સરહદીય ગામડાઓમાં બુધવારે એકાએક ભારે પવન સાથે વાવાઝોડુ ફૂંકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ફૂંકાયેલા વાવાઝોડામાં હુંબાપાડા ગામની પ્રાથમિક શાળા,હનુમાનજી મંદિરનો શેડ, સહિત બે ત્રણ ઘરોના પતરા ઉડીને જમીનદોસ્ત થઈ જતા જંગી નુકસાન થયું હતું.
જ્યારે વઘઇ તાલુકાના નાનીમાંળુગા ગામ ખાતે પણ બે આદિવાસી પરિવારના મકાનોના પતરા ઉડાડીને જમીનદોસ્ત કરી દેતા અહી પણ જંગી નુકસાન થયું હતું. ડાંગ જિલ્લાના સરહદીય વિસ્તારના ગામડાઓમાં બુધવારે ફૂંકાયેલા વાવાઝોડામાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.