નરેશભાઈ પટેલે સરકારમાં ૩૯ વર્ષ સેવા બજાવી હતી. જ્યારે એસ.ઝેડ.પવારે ૩૬ વર્ષની સેવાઓ બજાવી વય નિવૃત્ત થતા તેમને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા હતાં. જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી તથા માજી પ્રમુખ રમેશભાઈ ચૌધરીએ તેમના સેવાકાળ દરમિયાન જિલ્લાના વિકાસની કામગીરીઓ યાદ કરી ભાવવિભોર બન્યા હતાં અને જણાવ્યું હતું કે જિલ્લામાં પડકારરૂપ વિકાસના કામો કરવા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વનવિભાગના ૩૧ રસ્તાઓ કે જે લોકો માટે ટુંકા રસ્તે વાહન વ્યવહાર માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી હોવા છતા આઝાદી પછી ક્યારેય વનવિભાગની જટીલ પ્રક્રિયાના કારણે લોકોપયોગી બન્યા ન હતાં. આ રસ્તાઓ પાકા ડામર સપાટીના બનાવવા અત્યંત જરૂરી હતા જે વહીવટી પ્રક્રિયા સુચારૂ રીતે કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા હતાં.
જિલ્લામાં શૈક્ષણિક વિકાસની વાતો કરતા પ્રમુખ બીબીબેને જણાવ્યું હતું કે વધઈ મુકામે પોલીટેકનીક કોલેજ તેમજ આહવા ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ કરાવવા મહત્વના પત્ર વ્યવહાર માટે નરેશભાઇનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ બંને કર્મચારીઓને તેમના ક્ષેત્રમાં કરેલ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ખૂબ જ અનુભવી આ કર્મચારીઓએ તેમની ફરજ દરમિયાન જિલ્લા પંચાયતને ઉત્કૃષ્ઠ સેવાઓ પ્રદાન કરી છે. જે ખરેખર પ્રસંશનીય છે.
નિવૃત્તી વિદાય સમારોહમાં સુરત નિવાસી ર્ડા.સંગીતા ભટ્ટ દ્વારા તેમની નિવૃત્તી વિદાય પ્રસંગે રચેલ સ્વરચિત કાવ્યનું તાલુકા પંચાયત આહવાના કર્મચારી મીનલબેન પરમાર દ્વારા પઠન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત બંને કર્મચારીઓનું મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી શ્રીફળ અર્પણ કરી સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના તમામ સંવર્ગ કર્મચારીઓ, બંને નિવૃત્ત કર્મચારીઓના પરિવારજનો ઉપસ્થિત રહી નિવૃત્તી જીવનની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ પવારે કર્યું હતું અને આભાર વિધિ નાયબ ચિટનીશ રાહુલ વૈષ્ણવે કરી હતી.