ડાંગ: જિલ્લાનાં આહવા પંથકનાં ગામડાઓમાં થોડાક સમય માટે ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણીનાં નીર ફરી વળ્યા હતા. સાથે સાપુતારા પંથકનાં ગામડાઓમાં પણ શુક્રવારે મોડી સાંજે જોરદાર વરસાદી ઝાપટા પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં જૂન મહિનાનાં પ્રારંભમાં વિધિવત વરસાદ પડ્યા બાદ લાંબા સમય માટે વિરામ લેતા ડાંગી જનજીવન ચિંતામાં મુકાયુ હતુ.બાદમાં ડાંગ જિલ્લાનાં અમુક પંથકોમાં થોડા થોડા દિવસનાં અંતરે છૂટોછવાયો વરસાદ પડતા લોકોએ શ્વાસમાં શ્વાસ લીધો હતો.
જુલાઈ મહિનાનાં પ્રારંભનાં ત્રીજા દિવસે આહવા પંથકનાં ગામડાઓમાં થોડાક જ સમયમાં 24 મિમી અર્થાત 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીનાં નીર જોવા મળ્યા હતા, જ્યારે મોડી સાંજે ગિરિમથક સાપુતારા સહિત શામગહાન પંથકનાં ગામડાઓમાં પણ થોડાક સમય માટે જોરદાર વરસાદી ઝાપટા પડતા અહી પણ સમગ્ર સ્થળોએ ડહોળા પાણીનાં નીર ફરી વળ્યા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં મોડી સાંજે ઝરમરીયા વરસાદી માહોલની શરૂઆત થઈ હતી.
ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં ઘોઘલી ઘાટમાર્ગમાં મોટી શીલા ધરાશયી થઈ માર્ગની વચ્ચોવચ આવી પડતા મોટી દુર્ઘટના ટળી હતી.
હાલમાં ચોમાસાની ઋતુ દમિયાન ઘાટમાર્ગમાં ગુરુવારે રાત્રીનાં અરસામાં આહવાનાં ઘોઘલી ઘાટમાર્ગમાં મોટી શીલા ધરાશયી થઈ માર્ગની વચ્ચોવચ આવી પડી હતી. રાત્રીનાં અરસામાં કરફ્યુનાં પગલે વાહનવ્યવહાર બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. શુક્રવારે આહવા સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા જે.સી.બીની મદદથી આ શિલાને માર્ગમાંથી ખસેડી માર્ગ પૂર્વરત કર્યો હતો.