આહવા: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાના વરસાદે વિરામ લીધા બાદ ગુરૂવારે રાત્રીના અરસામાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
શામગહાન,ગલકુંડ, બોરખલ,માંળુગા સહિતના પંથકોના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.ગુરુવારે સાંજે 7.30 પછી રાત્રીના અરસામાં સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં થોડાક સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા જંગલ વિસ્તારના નાનકડા વહેળા,ઝરણાઓ,ચેકડેમો છલોછલ ભરાઈને બન્ને કાંઠે વહેતા થયા હતા.
સાપુતારા પંથકમાં રાત્રીના અરસામાં પડેલા ધોધમાર વરસાદના પગલે સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં આવેલા ડાંગર રોપણીના ક્યારાઓ પણ ડહોળા નીરની સાથે છલોછલ ભરાઈ જતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.આ પંથકના ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયા હતા.જ્યારે ગુરુવારે રાત્રીના અરસામાં સાપુતારા પંથકમાં સૌથી વધુ 48 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
જ્યારે વઘઇ પંથકનાં ગામડાઓમાં પણ 21 મીમી જેટલો મધ્યમ વરસાદ નોંધાયો હતો,જ્યારે આહવા પંથકના ગામડાઓમાં 12 મીમી જેટલો હળવો વરસાદ નોંધાયો હતો.