ડાંગઃ ડાંગ જિલ્લાનાં બરોડા ગ્રામીણ બેંકનાં સ્ટાફ દ્વારા ચેરમેન વી.કે. ડુડેજાની કાર્ય પધ્ધતિનાં વિરોધમાં ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી અને કાળા કલરનું માસ્ક પહેરી બેંકની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ભારત સરકાર, બેંક ઓફ બરોડા તથા ગુજરાત રાજ્ય સરકારનાં સંકલન દ્વારા કામગીરી કરે છે. જે હાલમાં ગુજરાતની સૌથી મોટી ગ્રામીણ બેંકનો દરજ્જો ધરાવે છે. આ બેંક સમાજનાં છેવાડાનાં લોકોને બેંકની સુવિધાઓ પુરી પાડે છે.
હાલમાં દેશનાં વડાપ્રધાનનાં આત્મનિર્ભર અભિયાન હેઠળ બેંકની કામગીરી બેંક સ્ટાફ કરી રહ્યાં છે, ત્યારે બેંકનાં કર્મચારીઓમાં કોરોના મહામારીમાં કામ કરવાનો જુસ્સો જળવાઇ રહે તે માટે વિવિધ પ્રોત્સાહક લાભોની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં ગુજરાત ગ્રામીણ બેંકનાં ચેરમેન વી.કે. ડુડેજા અને બેંક મેનેજમેન્ટ દ્વારા બેંકનાં સ્ટાફને સરકાર દ્વારા નાબાર્ડ તથા પ્રયોજક બેંક દ્વારા આપવામાં આવી રહેલા ઘણા બધા ઓર્ડરની ધરાર અવગણના કરવામાં આવી રહી છે. જેના પગલે બેંક કર્મચારીઓમાં અસંતોષની લાગણી ફેલાવા પામી છે.
વધુમાં આ બાબતે બેંક કર્મીઓએ ચેરમેનને વારંવાર રજુઆત કરવા છતાંયે તેઓનાં પ્રશ્નોનાં ઉકેલ નહી મળતા બરોડા ગ્રામીણ બેંકનાં કર્મચારીઓ દ્વારા તા. 20, 21, 22 મેનાં રોજ ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી અને માસ્ક પહેરી ગાંધી ચીંધ્યા માર્ગે બેંકની કામગીરી ચાલુ રાખી હતી.
ગ્રામીણ બેંકનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં બેંક સ્ટાફગણે પોતાનો સંપુર્ણ ટેકો જાહેર કર્યો હતો. ડાંગ જિલ્લાનાં ગ્રામીણ બેંકનાં સ્ટાફે પણ વિરોધમાં કાળી પટ્ટી અને માસ્ક પહેરી ગ્રાહકોની નાણાકીય કામગીરી ચાલુ રાખી હતી.