- ડાંગ કોંગ્રેસમાં એકમાત્ર બચેલા કદાવર નેતા હરીશ બચ્છાવ ભાજપમાં જોડાયાં
- વઘઇ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીતે કેસરિયો ધારણ કર્યો
- 4 ગામોનાં 200 કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની સૌથી મજબૂત પકડ હતી, પરંતુ કોંગી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત અને કદાવર નેતા ચંદરભાઈ ગાવીતનાં રાજીનામાં બાદ ડાંગ જિલ્લાના એક બાદ એક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં હવે કોંગ્રેસનો ગઢ ધરાવતો ડાંગ જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે.
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ મુક્ત ભાજપનું સૂત્ર સાર્થક
કેબીનેટ પ્રધાન ગણપત વસાવા અને ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરાજીયાએ ડાંગ જિલ્લામાં બુથ લેવલે પહોંચીને મતદારોને ભાજપાનાં વિકાસનું સૂત્ર બતાવતા એક પછી એક ડાંગ કોંગ્રેસનાં મોટા ગજાનાં નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા તરીકેની ભૂમિકા ભજવનાર તથા જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ હરીશ બચ્છાવ જે ડાંગ કોંગ્રેસમાં એક માત્ર કદાવર નેતા હતા તેઓ પણ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસ મુક્ત ડાંગ બની ગયું છે.
વઘઇ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીત ભાજપમાં જોડાયા
વઘઇ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીત તેમજ તાલુકા કોંગ્રેસનાં 4 ગામોનાં સક્રિય અને પાયાના 200થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ એવા કેન્દ્રિય પ્રધાન ગણપત વસાવાનાં હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કરી લેતાં જિલ્લામાં કોંગ્રેસનાં સુપડાસાફ થયા હતાં. અહીં ચૂંટણીપંચ દ્વારા હાલમાં વઘઇની બેઠક માટે SC ઉમેદવારની સીટ ફાળવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ભાજપાએ માસ્ટર સ્ટ્રોક રમી વઘઇ સીટ માટે જાહેર થયેલ કોંગ્રેસનાં નેતા અને SC સમાજમાં પ્રભુત્વ ધરાવના હરીશ બચ્છાવને ભાજપનો ખેસ પહેરાવી ફોર્મ ભરાવતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસ ઉમેદવાર બાબતે અસમંજસ પરિસ્થિતિમાં
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપાએ જિલ્લા અને ત્રણેય તાલુકાની સીટો ઉપર ઉમેદવારોની યાદી વિધિવત રીતે બહાર પાડી દીધી છે તો બીજી તરફ ડાંગ કોંગ્રેસ પક્ષ જિલ્લા અને તાલુકાનાં ઉમેદવારોને લઈને હજુ સુધી અસંમજસતાની સ્થિતિમાં જણાતા ઉમેદવારોની યાદી બહાર પાડી શકી નથી.