- ડાંગ દરબારનો કાર્યક્રમ સભાખંડમાં ઉજવવાના નિર્ણયથી રાજાઓ નારાજ
- ડાંગના રાજાઓની માંગ કે કોરોનાની ગાઇડલાઈ મુજબ કાર્યક્રમ જાહેરમાં ઉજવવો
- હોળી પહેલાં ભારતનાં એકમાત્ર ડાંગ જિલ્લાના રાજાઓને પોલિટિકલ પેંશન આપવામાં આવે
ડાંગ : ભારતમાં એકમાત્ર ફક્ત ડાંગ જિલ્લાને રાજકીય પોલિટિકલ પેંશન આપવામાં આવે છે. અંગ્રેજોના સમયકાળથી ચાલી આવતી આ પ્રથા આજેપણ એકબંધ છે. હોળીના તહેવારના પાંચ દિવસ અગાઉ ડાંગના મુખ્ય મથક આહવા ખાતે પાંચ રાજાઓ તેમનાં ભાઈબંધને બોલાવી પોલિટિકલ પેંશન એનાયત કરવામાં આવે છે.
આ પણ વાંચો : ડાંગ દરબાર મેળામાં જિલ્લા બહારના વેપારીઓને નો એન્ટ્રી
કોરોનાની ગાઇડલાઈ મુજબ કાર્યક્રમ જાહેરમાં થવો જોઈએ
આ વર્ષે કોરોના કાળની પરિસ્થિતિના કારણે કલેક્ટર કચેરીમાં બંધ બારણે આ કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે ડાંગના પાંચે રાજાઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓની માંગ છે કે, સોશિયલ ડિસ્ટનસિંગ સાથે જાહેરમાં રાજ્યના બંધારણીય વડા દ્વારા તેઓનું સન્માન કરવામાં આવે. જો જાહેરમાં સન્માન નહિ કરવામાં આવે તો રાજાઓ આમરણ ઉપવાસ તેમજ ડાંગ દરબારના બહિષ્કારની ચીમકી આપી છે.
આ પણ વાંચો : 5 માર્ચથી 'ડાંગ દરબાર' લોકમેળો, રાજ્યપાલના હસ્તે ઉદ્ધાટન
રાજકીય પાર્ટીઓને છૂટ મળે છે તો રાજાઓને કેમ નહિ ?
વહીવટી તંત્રના નિર્ણય સામે ડાંગ જિલ્લાના પાંચ રાજાઓએ મિટિંગ કરી હતી. ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે, જ્યારે નેતાઓના મોટા મેલાવડા થાય છે ત્યારે તેઓની રેલીઓને છુટ મળે છે. ઐતિહાસિક ડાંગ દરબારની પરંપરાને પણ મંજુરી મળવી જોઈએ. રાજાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોરોના કાળની પરિસ્થિતિ છે. પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે મર્યાદિત લોકો સામે જાહેરમાં રાજયપાલના હસ્તે તેઓનું સન્માન થાય.
1842થી ચાલતી ડાંગ દરબારની પરંપરા જળવાઈ રહેવી જોઈએ
વાસુરણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, 1842થી ચાલતી ડાંગ દરબારની પરંપરા જળવાઈ રહેવી જોઈએ. હાલ કોરોનાની કપરી પરિસ્થિતિ છે ત્યારે ડાંગ દરબાર હોલ અથવા જાહેર મંડપ કરીને ડાંગના પાંચ રાજાઓ, 9 નાયકો, અને 664 ભાઈબંધોને બોલાવી તેઓનું સન્માન કરવામાં આવે અને આ પરંપરાને જાળવી રાખવામાં આવે.
ડાંગ દરબારને રદ્દ કરવાની વાત ડાંગી પ્રજાને સ્વીકાર્ય નથી
વિધાનસભા પેટા ચૂંટણી અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની મર્યાદા કે રોકટોક લગાવ્યા વગર રાજકીય પાર્ટીને સભા કરવા અને રેલી કાઢવાની પરવાનગી આપવામાં આવે છે. વહીવટીતંત્ર ડાંગની સંસ્કૃતિ સમાન ડાંગ દરબારને કોરોના સંક્રમણને કારણે રદ્દ કરવાની વાત કરે તે ડાંગની પ્રજાને સ્વીકાર્ય નથી.