ડાંગ: ગુજરાત રાજ્યમાં માનવ રહેણાંક વિસ્તારમાં દીપડા અને માનવ વચ્ચેનાં ઘર્ષણને અટકાવવા માટે પ્રાણી સંગ્રહાલયનાં હરણને વન્ય વાતાવરણમાં પ્રજનન કરી વન્ય વિસ્તારમાં જ ઉછેરી વનમાં છોડી મુકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વાંસદા નેશનલ પાર્કમાં 30 દીપડા છે, ત્યાં આ નેશનલ પાર્કમાં હરણ છોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 22 હરણ છોડવામાં આવ્યાં છે. હરણ અને દીપડા વચ્ચે ફૂડ ચેઇન બની જાય તો દીપડા માનવ વસ્તીમાં આવતાં અટકશે.
દક્ષિણ ગુજરાતમાં તાપી, વાંસદા, આહવા, વઘઇ, સાપુતારા, સુબિર જેવી જગ્યાએ માસાંહાર પ્રાણી દીપડા ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં પહોંચી જતાં હોય છે. માસાંહાર અને શાકાહારી પ્રાણીઓ વચ્ચે ફૂડ ચેઇન તૂટતાં દીપડાનું માનવીઓ સાથે ઘર્ષણ વધતું જાય છે. જેના કારણે અનેક વખત દીપડાના હુમલાના બનાવો સામે આવ્યાં છે. આ હુલાઓ અટકાવવા સુરત નેચર ક્લબ અને વાંસદા વન વિભાગે અભિયાન શરૂ કર્યું છે. જેમાં હરણને વાંસદા નેશનલ પાર્કમાં રાખી તેનું પ્રજનન કરવામાં આવે છે. ત્યારબાદ હરણના બચ્ચાને વન્ય વાતાવરણમાં ઉછેરીને નેશનલ પાર્કમાં છોડી દેવાય છે. જેથી દીપડાને આ રીતના ખોરાક માટેની ફૂડ ચેઇન ચાલું રહી શકે.
આ અંગે વાંસદા વન વિભાગના ડીસીએફ દિનેશ રબારીએ જણાવ્યું હતું કે, સુરત નેચર ક્લબ અને વાંસદા વન વિભાગે અભિયાન શરૂ કર્યું છે. જેનો હેતુ દિપડાને માનવ વસતીમાં આવતા રોકવાનો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ હરણ થકી દિપડાની ફૂટ ચેઇન ચાલુ રહે સાથે વાંસદા નેશનલ પાર્કમાં હરણની વસતીમાં વધારો થશે. ગત થોડા દિવસ અગાઉ 7 હરણોને સોફ્ટ રિલીઝ કરવામાં આવ્યા હતા. આ અભિયાન થકી પ્રાણીઓ વચ્ચે ફૂડ ચેઇન જળવાઇ રહેશે.