ડાંગઃ જિલ્લામાં ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજનાં અંતરીયાળ જંગલ વિસ્તારમાં આવેલ અંજનીકુંડ ગામે શિકારની શોધમાં આમતેમ ભટકતો ખુંખાર દીપડો ઘુસી ગયો હતો. આ અરસામાં અંજનીકુંડ ગામની લગોલગ એક સ્થળે પાળતુ બકરાઓનું ટોળુ શિકારની શોધમાં આવી ચડેલ દીપડાનાં નજરે ચડ્યુ હતુ. અહી ગામમાં બકરાઓનાં ટોળાની પાછળ આ ખુંખાર દીપડો દોડતા જેની જાણ ગ્રામજનોને થતા ભયનો માહોલ ફેલાવવાની સાથે ભારે બુમાબૂમ થઈ હતી.
તે સમયે જ અંજનકુંડ ગામનાં રહેવાસી લક્ષમનભાઈ મહાદુભાઈ બરડ ઉપર અચાનક આ ખુંખાર દીપડાએ હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનાવતા સ્વબચાવ માટે આ ઇસમ દ્વારા દીપડાનાં માથાનાં ભાગે લાકડાનાં સપાટા મારતા ઘટના સ્થળે દીપડાનું પ્રાણ મૃત્યું પામ્યો હતો. ઘટનાની જાણ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારી તથા ગલકુંડ રેંજ આર.એફ.ઓ મજુંલાબેન ઠાકરેને થતા તેઓની વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
હાલમાં દીપડાનાં હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ લક્ષમનભાઈ બરડેને સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ વન વિભાગની ટીમે દીપડાનાં મૃતદેહનું પી.એમ કર્યા બાદ નિયમોઅનુસાર મૃતદેહની અંતિમક્રિયા કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના બાબતે ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારી જોડે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સાંજે શિકારની શોધમાં ભટક્તા દિપડાએ અંજનકુંડ ગામનાં આધેડ વ્યક્તી પર હુમલો કરતાં આ વ્યક્તીએ પોતાનાં સ્વ બચાવ માટે દિપડાના નાજૂક ભાગ પર હુમલો કરતાં દિપડાનુ મોત નિપજ્યું હતુ. જેથી વન વિભાગની ટીમે ઘટના સ્થળે જઈ પંચનામું સહિત પૃષ્ટિ કરી હતી. ગામનાં આ આધેડે જાણી જોઈને દીપડાનું મોત નિપજાવેલ નથી, જેથી અહી દીપડાનાં હુમલામાં ઇજાગ્રસ્ત બનનારને હાલમાં સારવાર હેઠળ ખસેડી વન વિભાગની ટીમ દ્વારા દીપડાનાં મૃતદેહનું પી.એમ કરાવી બાદમાં અંતિમક્રિયા કરી વધુ તજવીજ હાથ ધરી હતી.