ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના તાલુકા પંચાયત કુલ 16 સભ્યોનું પીઠબળ ધરાવે છે. અગાઉના વર્ષમાં ભાજપ પાસે બહુમતી હોવાના પગલે અઢી વર્ષના કામ માટે રાજેશભાઇ ગામીત તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહ્યા હતા.
બાદમાં વિવાદો થતાં ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસના ટેકાથી યશોદાબેન રાઉત પ્રમુખ પદ માટે અરૂઠ થયા હતાં. જેમાં થોડાક સમય પહેલા કોંગ્રેસના ટેકાથી પ્રમુખ પદ હાંસલ કરનાર આ યશોાદાબેન રાઉત સામે ઉપપ્રમુખ વસનજી કુંવરે વિકાસ કમિશનર ગાંધીનગરને પક્ષાંતર ધારાના ભંગની ફરિયાદ કરતા વિકાસ કમિશ્નર દ્વારા પંચાયત ધારા હેઠળ પ્રમુખ યશોદાબેન રાઉતને ગેરલાયક ઠરાવતો હુકમ કર્યો હતો. ત્યાર બાદ સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ યશોદાબેન રાઉતે કમિશ્નરના આદેશને નામદાર હાઇકોર્ટમાં પડકારતાં હાઇકોર્ટે કમિશ્નરના આદેશ પર સ્ટે મૂકતા આ યશોદાબેન ફરીથી પ્રમુખ તો ગોઠવાઈ ગયા હતા.
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5થી 6 મહિના બાકી હોવાથી અને આ મહિલા પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનમાની કરતી હોવાના પગલે ગત 24-01-2020 ના રોજ સુબિર તાલુકા પંચાયતના કુલ 16 માંથી 10 સભ્યોએ બહુમતી સાથે આ મહિલા પ્રમુખના વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જેના પગલે બંને પક્ષોનાં રાજકીય માહોલ ગરમાયો હતો. જે અવિશ્વાસનો પ્રસ્તાવ જે સંદર્ભે વિશ્વાસ મત મેળવવાની બેઠક તારીખ 27-02-2020 ના રોજ સવારે 11:00 કલાકે સુબિર તાલુકા પંચાયતના સભાખંડમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળનારી હતી. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ જિલ્લા સમાહર્તા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્તની માંગણી કરતા ડાંગના રાજકીય માહોલમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ પદની ખુરશીની લડાઈમાં અગાઉ પણ ભાજપા અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો સામ સામે આવી જતાં ભારે ધસામણની સાથે વાતાવરણ તંગ બન્યું હતું. જેથી સુબિર તાલુકાના વિશ્વાસમાં બેઠકમાં વિડીયોગ્રાફી સહિત ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે કોંગ્રેસ પ્રમુખે અરજ ગુજારતા સતાનો જંગ રોમાંચક થશે તેવી ચર્ચાઓ ચકડોળે ચઢી હતી.