ડાંગ: ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ સિંગાણા રેંજનાં વનકર્મીઓની ટીમે ઇમારતી લાકડાની તસ્કરીને અંજામ આપી રહેલા 24 જેટલા વીરપન્નોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.અગ્નિશ્વર વ્યાસનાં માર્ગદર્શન હેઠળ શિંગાણા રેંજનાં આર.એફ.ઓ સહિત વનકર્મીઓની ટીમને લાકડા તસ્કરીની બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે સિંગાણા રેંજનાં આર.એફ.ઓ સહિત વનકર્મીઓની ટીમ દ્વારા ગતરોજ તેઓના લાગુ જંગલ વિસ્તારમાં હાડોળ બીટનાં ગાયગોઠણ ચોકી ઉપર વોચ ગોઠવી સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
તે અરસામાં સિંગાણા રેંજનાં ગાયગોઠણ જંગલ વિસ્તારનાં ઢોંગીસાગ અને પોકળીયા કળમની બારી વચ્ચેનાં રિઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નં.45માંથી વનકર્મીઓને ઝાડ કાપવાનો અવાજ સંભળાયો હતો. સીંગણા રેંજનાં આર.એફ.ઓ કેયુરભાઈ પટેલ સહિત ફોરેસ્ટર રમેશભાઈ ગાવીતની ટીમે આ અવાજ સંભળાયાની દિશામાં ચેકીંગ હાથ ધરતા સ્થળ ઉપર સ્થાનિક 24 જેટલા ઢોંગીઆંબા ગામનાં વીરપન્નો ઇમારતી સાગી લાકડા કાપતા નજરે ચડ્યા હતા.
અહીં ઘટના સ્થળે સિંગાણા રેંજનાં આર.એફ.ઓ કેયુરભાઈ પટેલ સહિત વનકર્મીઓની ટીમે આ 24 જેટલા લાકડા તસ્કર વીરપન્નોની ધરપકડ કરી તેઓ પાસેથી 12 જેટલા લાકડા કાપવાના કુહાડાનો કબ્જો લઈ તેઓને પૂછપરછનાં અર્થે સિંગાણા રેંજ કચેરી ખાતે લઈ આવ્યા હતા. આ વીરપન્નોએ ગુનાની કબૂલાત કરી લેતા તેઓ સામે ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ડિપોઝીટ પેટે 10,000 હજારનો દંડ ભરાવી દંડાત્મક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જામીનમુક્ત કર્યા હતા. ડાંગ જિલ્લાના સિંગાણા રેંજનાં વનકર્મીઓની સતર્કતાનાં પગલે 24 જેટલા સ્થાનિક વીરપન્નો ઝડપાઇ જતા અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.