ડાંગ કલેકટર એન.કે.ડામોર હંમેશા ડાંગના યુવાધનને પગભર કરવાના પ્રયાસો કરતા હોય છે. વધુને વધુ ડાંગના યુવાનો લશ્કરમાં જોડાય તે માટે લશ્કરી ભરતી મેળામાં જવા-આવવા માટે વાહનની સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ઘણીવાર જિલ્લા બહાર જવાની વ્યવસ્થા ન કરવાથી ખૂબ જ ઓછા યુવાનો લશ્કરી ભરતી મેળામાં ભાગ લેતા હતા. પરંતુ ડાંગ તંત્રની વ્યવસ્થાને કારણે જિલ્લાના યુવાનો લશ્કરી ભરતી મેળામા ભાગ લઈ ભારતીય સેનામાં જોડાઈ રહ્યા છે.
જિલ્લા રોજગાર અધિકારી વિનોદભાઈ ભોયેએ જણાવ્યું હતું કે, કુલ 60 ઉમેદવારોને નિવાસી તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં શારીરિક કસોટીમાં કુલ 22 જેટલા ઉમેદવારો પાસ થયા હતા. જેમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેતાં કુલ 5 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. તેઓ ભારતીય લશ્કરમાં જોડાઇ વિવિધ જગ્યાએ તાલીમ માટે જશે.
દિવાન ટેમ્બ્રુન ગામના બાગુલ વૈભવભાઈ સતીષભાઈ, ગાઢવી ગામના પવાર વિકાસ સુરેશ, દગડપાડા ગામના મહાકાળ ઉમેશભાઈ જયરામભાઈ, ભીસ્યા ગામના ગાંગુર્ડે સચીનભાઈ જતાર્યાભાઈ તથા સિલોટમાળના લહરી આશીષભાઈ પરશ્યાભાઈ સેનામાં જોડાશે. આગામી ડિસેમ્બર માસથી તાલીમમાં જોડાઈ દેશની સેવામાં પોતાનું યોગદાન આપશે.